Fri Oct 09 2026

Logo

ભરૂચની જામા મસ્જિદનો વિવાદ હાઈ કોર્ટમાં પહોંચ્યોઃ જૈનોએ મૂર્તિની સુરક્ષા-પૂજાની મંજૂરી માગી...

2026-10-09 20:03:28
Author: Mayur Patel
ભરૂચની જામા મસ્જિદનો વિવાદ હાઈ કોર્ટમાં પહોંચ્યોઃ જૈનોએ મૂર્તિની સુરક્ષા-પૂજાની મંજૂરી માગી...

ભરૂચઃ  ભરૂચ ખાતે આવેલી 14મી સદીની ઐતિહાસિક જામા મસ્જિદને લગતો વિવાદ ગુજરાત હાઈ કોર્ટ પહોંચ્યો હતો. મસ્જિદના ભોંયરામાં જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની પ્રતિમા હોવાના દાવા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. આ મામલે હરિશંકર જૈન અને રાહુલ દીવાન સહિત પાંચ અરજદારોએ ગુજરાત હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરીને મૂર્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જૈન સમુદાયને ત્યાં પૂજા-અર્ચના કરવાની મંજૂરી આપવા દાદ માંગી હતી.

અરજદારોએ અદાલતમાં જણાવ્યું હતું કે, હાલમાં સર્જાયેલા વિવાદ અને તણાવપૂર્ણ વાતાવરણને કારણે ભોંયરામાં રહેલી ભગવાન મલ્લિનાથની પ્રતિમાને નુકસાન પહોંચવાની પ્રબળ આશંકા છે. આથી, પુરાતત્વીય મહત્ત્વ ધરાવતી આ પ્રતિમાની કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેમજ શ્રદ્ધાળુઓને નિયમાનુસાર દર્શન અને પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે તેવી માગણી કરાઈ હતી.

આ સમગ્ર વિવાદમાં મુક્તાનંદ સ્વામી દ્વારા પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તેમના આક્ષેપ અનુસાર, વર્ષ 1952માં વડોદરા ખાતે જામા મસ્જિદના નામે ખાનગી ટ્રસ્ટ ઊભું કરી પુરાતત્વ વિભાગની સંરક્ષિત સરકારી જમીન પર કથિત રીતે કબજો જમાવી દેવાયો હતો. આ ઉપરાંત વર્ષ 2010માં એક ખાનગી વ્યક્તિના નામે વીજ કનેક્શન લેવાયું હોવાનો તેમજ સ્થાનિક પાલિકા અને સિટી સર્વેની કચેરીઓમાં અનધિકૃત રીતે નોંધણી કરાવાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. વધુમાં, સંરક્ષિત સ્મારકની જગ્યામાં કબ્રસ્તાન અને વજુ ખાનું બનાવવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જોકે આ નિર્માણ બાબતે હાલ કોઈ સત્તાવાર ન્યાયિક ચુકાદો આવ્યો નથી.

સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે દલીલ કરી હતી કે આ સંકુલ વર્ષ 1909થી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા હેઠળ સંરક્ષિત સ્મારક જાહેર થયેલું છે. પ્રાચીન સ્મારક સંરક્ષણ ધારા 1958 મુજબ આ ઐતિહાસિક સ્થળના મૂળ સ્વરૂપની જાળવણી કરવી કાયદાકીય રીતે ફરજિયાત છે. સરકારી વકીલે પણ અરજદારોની કેટલીક દલીલોમાં તથ્ય હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે 9 ઓક્ટોબરે વધુ સુનાવાણી થશે.  આ વિવાદને લઈને સ્થાનિક સ્તરે હિન્દુ-જૈન સંગઠનો દ્વારા રજૂઆતો અને રેલીઓ પણ યોજાઈ હતી, ત્યારે હવે હાઈ કોર્ટ આ સંવેદનશીલ મુદ્દે શું વલણ અપનાવશે તેના પર સૌની નજર રહેશે.