એ એક માત્ર રોડ અકસ્માત ન હતો - એક પુરુષ કારચાલકનો અહમ્ હતો
- રાજ ગોસ્વામી
13 સપ્ટેમ્બરે દિલ્હી નજીક આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં ગોલ્ફ કોર્સ રોડ પર સવારે એક આઘાતજનક ઘટના બની. એક મહિલા બાઇકર પોતાની મોટરસાઇકલ પર જઈ રહી હતી ત્યારે એક કારે તેને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા બાઇક પરથી ઊછળીને રસ્તા પર પટકાઈ પડી અને તેની મોટરસાઇકલ કેટલાય મીટર સુધી રસ્તા પર ઘસડાતી ગઈ. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે કારચાલકે ગાડી ઊભી રાખીને ઈજાગ્રસ્ત મહિલાની મદદ કરવાને બદલે ત્યાંથી ભાગી જવાનું પસંદ કર્યું.
આ અકસ્માત નહોતો. કાર ચાલકને ગુસ્સો આવ્યો હતો અને તેણે બાઈક સવાર મહિલાને સબક શીખવાડવા માટે પોતાની કાર અથડાવી હતી. બાઈક પર કેમેરા ફીટ કરેલો હતો અને તેમાં આ આખી ઘટના રેકોર્ડ થઇ. તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો પછી પોલીસે મહિલાના હત્યાના પ્રયાસના ગુના હેઠળ કાર ચાલકની ધરપકડ પણ કરી..
આ ઘટનાને જોતી વખતે દરેકના મનમાં એક અસ્વસ્થ કરી નાખતો પ્રશ્ન ઊભો થયો: આખરે એક પુરુષ ડ્રાઈવરના મનમાં એવું શું બને કે એક મહિલા સામેનો ગુસ્સો તેને એટલી હદે લઈ જાય કે તેની કાર જ તેના માટે હિંસાનું સાધન બની જાય?
ભારતમાં આવી ઘટનાઓને આપણે `રોડ રેજ' કહીએ છીએ- વાહન ચલાવતી વખતે પડતી મુશ્કેલીના કારણે આવતો ગુસ્સો. ભારતમાં લાખો લોકો રોડ પર એકબીજા સાથે ઝઘડતા હોય છે, હોર્ન વગાડતા હોય છે, એકબીજાનો રસ્તો કાપતા હોય છે, ધમકીઓ અને ગાળો આપતા હોય છે, પણ મોટા ભાગના લોકો તેમનાં વાહનનો ઉપયોગ હથિયાર તરીકે નથી કરતા.
એટલે સવાલ કેવળ ગુસ્સાનો નથી. સવાલ એ છે કે પોતાનું વાહન બીજી વ્યક્તિને અથડાવી દેવાની હિંસા પાછળ કઈ માનસિકતા હોય છે?
ગુરુગ્રામમાં આવું જ કંઈક બન્યું હતું. બાઈકર યુવતીના કેમેરામાં કેદ થયેલાં દૃશ્યોમાં દેખાય છે કે એક કાર સતત તેની બાઈકની આસપાસ રહીને જાણે તેની સાથે રેસ કરી રહી હતી. યુવતી વારંવાર હાથના ઈશારાથી તેને દૂર રહેવા અને પોતાની બાઈકથી અંતર જાળવવા કહી રહી હતી. એટલે કે, તે કોઈ મુકાબલો કરવા માગતી નહોતી. ઊલટું, તે સ્પષ્ટપણે કહી રહી હતી- મારી નજીક ન આવો, મને મારી રીતે જવા દો. પણ કદાચ કારમાં બેઠેલા પુરુષ માટે આ માત્ર એક સામાન્ય વિનંતી નહોતી. તેને જાણે આ ઈશારો પોતાની સત્તા સામેના પડકાર જેવો લાગ્યો. `મારી વાત કેમ નથી માનતી? અને તે પણ બાઈકવાલી?'નો અહેસાસ `આને પાઠ ભણાવવો જોઈએ' સુધી પહોંચ્યો અને ક્ષણભરનો અહંકાર એવી હિંસામાં ફેરવાઈ ગયો, જેની કિમત એક નિર્દોષ યુવતીને પોતાના શરીરથી ચૂકવવી પડી. તે ફંગોળાઈ ગઈ. નસીબ જોગે ગ્લોવ્ઝ અને હેલ્મેટના કારણે તે બચી ગઈ.
કદાચ પેલાને અંદાજ પણ નહોતો કે તેની આવી નિષ્ઠુર `મર્દાનગી' રેકોર્ડ થઇ રહી છે.
અહીંથી એક મોટો સામાજિક પ્રશ્ન ઊભો થાય છે- એક સ્ત્રીનું `દૂર રહો' કહેવું પણ કોઈ પુરુષના અહંકાર માટે એટલો મોટો પડકાર કેમ બની જાય છે?!
આપણા સમાજમાં છોકરાઓને નાનપણથી જ ઘણી બાબત સીધી કે પરોક્ષ રૂપે ભણાવવામાં આવે છે કે પોતાની વાત મનાવો. કોઈની સામે નમો નહીં. હાર ના માનો. મર્દ બનો. આવી `શિક્ષા'ની સાથે તેમને એટલી મજબૂતીથી એવું નથી શીખવાડવામાં આવ્યું કે `ના' સાંભળવી તે પણ મર્દ હોવાનો જ હિસ્સો છે. અસહમતીનો સ્વીકાર કરવો તે પણ તાકાત છે. કોઈ મહિલા તમને ના કહી દે તો તે પુરુષ હોવાનું અપમાન નથી.
અહીંથી એક સમસ્યા શરૂ થાય છે. એક આત્મવિશ્વાસી છોકરી જ્યારે બાઈક પર રેસિંગ કરતી હોય, એકલી ડ્રાઈવ કરતી હોય, કોઈ પુરુષને છેટા રહેવાનું કહેતી હોય અથવા તેના વ્યવહાર પ્રત્યે આપત્તિ વ્યક્ત કરતી હોય તો એક સાધારણ પુરુષ માટે આ એકદમ સામાન્ય વાત છે, પણ જે બાવડેબાજ પુરુષનો આત્મવિશ્વાસ તેના મર્દ હોવા પર ટકેલો હોય, તેના માટે આ વાત `અપમાન' જેવી બની જાય. તે છોકરીની વાત નથી સાંભળતો - તે પોતાના અહમ્ને સાંભળતો હોય છે : `તું મને હુકમ કરે છે?'
એવી જ રીતે પેલામાં એક ખતરનાક ભાવ પેદા થયો હતો- `આને બતાવવું પડશે કે અહીં કોની તાકાત ચાલે છે!'
આ કેવળ વ્યક્તિગત કે એકલદોકલ સમસ્યા નથી. આ એ સામાજિક સંસ્કારની વાત છે, જેમાં પુરુષને અધિકાર અને સ્ત્રીને ચલાવી લેવાનું શીખવાડવામાં આવે છે. છોકરીને કહેવામાં આવે છે- દલીલ ના કરીશ, વધુ ના બોલીશ, સહન કરી લેજે. છોકરાને કદાચ એટલી ગંભીરતાથી એ નથી શીખવાડવામાં આવતું કે કોઈ છોકરી તને ના પાડે, દલીલો કરે કે સામો જવાબ આપે, તો તું ત્યાં અટકી જજે અથવા પાછળ હટી જજે.
બીજી તરફ, છોકરીઓને તો એ શીખવાડવામાં આવે છે કે પુરુષોના વ્યવહારથી કેવી રીતે બચવું, પણ છોકરાઓને એ નથી કહેવામાં આવતું કે સ્ત્રી સાથે કેવી રીતે પેશ આવવું.
અહીં વર્ણવેલી આ ઘટનાનું એક બીજું પણ દુ:ખદ પાસું છે. અગર કોઈ વ્યક્તિથી દુર્ઘટના થઇ પણ જાય તો દુર્ઘટના પછી કેવી રીતે વ્યવહાર કરવો? એ ત્યાં ઊભો રહી જાય. ઘાયલ વ્યક્તિને જુએ. મદદ માગે. એમ્બ્યુલન્સને બોલાવે, પણ મોટાભાગના કિસ્સામાં અપરાધી ઘટનાસ્થળ છોડીને ભાગી જાય છે અને એટલે જ એ ઘટના ક્ષણિક ગુસ્સાની કે `રોડ રેજ'ની નથી રહેતી. તેમાં પોતાની જવાબદારીથી બચવાની માનસિકતા દેખાય છે. તાકાત એ નથી કે કમજોરને ડરાવો. તાકાત એ છે કે ગુસ્સા પર બ્રેક મારો. કોઈ મહિલા તમને દૂર હટી જવાનું કહે તો અપમાનિત મહેસૂસ ન કરવું એ તાકાત છે. સડક પર હાર-જીતનો ફેંસલો નહીં કરવાનો ભાવ તાકાત છે અથવા `મારાથી ભૂલ થઇ ગઈ' કહેવું એ
તાકાત છે.
આપણા સમાજમાં પુરુષોને આવી ભાવના તો આપવામાં આવી છે, પણ ભાવનાઓને સંભાળવાની શિક્ષા ઓછી આપવામાં આવી છે. તેમને અધિકાર તો આપવામાં આવ્યા છે, પણ અસ્વીકાર સહન કરવાની તાકાત આપવામાં નથી આવી. તેમને હરીફાઈ તો શીખવાડવામાં આવી છે, પણ પરાજય સહન કરવાની વૃત્તિ આપવામાં નથી આવી. તેમને તાકાત કોને કહેવાય તે તો ભણાવ્યું છે, પણ સંયમ શું કહેવાય તેની સમજ નથી આપવામાં આવી એટલા માટે ગુરુગ્રામની સડક દુર્ઘટનાને એક મહિલા રેસર અને એક વાહન ચાલકનો ઝઘડો ગણીને ભૂલી જવાનું આસાન છે, પણ થોડા ઊંડા ઊતરીને વિચારીએ તો તે આપણા સમાજનો એક આયનો છે. સવાલ એ નથી કે એ દિવસે પેલાને કેટલો ગુસ્સો આવ્યો હતો; સવાલ એ છે કે આપણે આપણા છોકરાઓમાં ગુસ્સા, અસ્વીકાર અને સ્ત્રી સ્વતંત્રતા વિશે શું ભરી રહ્યા છીએ?
કારણ કે અસલી મર્દાનગી કોઈ છોકરીને સડક પર પાડી દેવામાં નથી- અસલી મર્દાનગી એ ક્ષણે મર્દાનગી પર બ્રેક મારી દેવામાં છે.