Mon Oct 05 2026

Logo

કચ્છના વાગડમાં વન્યજીવ શિકારીઓનો ખૌફ! રાપરમાં શિકાર અટકાવવા ગયેલા યુવક પર ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી...

2026-10-02 12:38:00
Author: Mumbai Samachar Team
કચ્છના વાગડમાં વન્યજીવ શિકારીઓનો ખૌફ! રાપરમાં શિકાર અટકાવવા ગયેલા યુવક પર ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી...

ભુજ: સીમાવર્તી વાગડ પંથકમાં વન્યજીવોના શિકારની પ્રવૃત્તિ ફરી એકવાર લોહિયાળ બની છે. ફતેહગઢ નજીક શિકારીઓ દ્વારા માલધારી યુવક પર ગોળીબાર કરવાની ઘટનાને હજુ પખવાડિયું પણ માંડ વીત્યું છે, ત્યાં રાપર તાલુકાના ઘાણીથર ગામની સીમમાં શિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું. શિકાર રોકવા ગયેલા સ્થાનિક યુવકની છાતી પર બંદૂક તાકી ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે સતર્ક યુવકે તાત્કાલિક બંદૂકનું નાળચું ઊંચું કરી દેતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, પલાંસવા નજીક ભમીયાસર વાંઢ ખાતે રહેતો પ્રભુ વજા રાજપૂત પોતાના પાંચ પિતરાઈ ભાઈઓ સાથે રાત્રિના સમયે ખેતરમાં પાકનું રખોપું કરી રહ્યો હતો. તે દરમિયાન મધરાતે ઘાણીથર સીમ વિસ્તારમાં અચાનક બંદૂકના ધડાકા સંભળાયા હતા. આ વિસ્તારમાં શિકારીઓ અવારનવાર નીલગાય અને અન્ય વન્યજીવોનો શિકાર કરવા આવતા હોવાથી, પ્રભુ અને તેના ભાઈઓ ટોર્ચ લઈને સીમ તરફ તપાસ અર્થે નીકળ્યા હતા. માર્ગમાં તેમણે ઘાણીથરના સાત ભરવાડ યુવાનોને પણ સાથે લીધા હતા.

ટોર્ચના અજવાળામાં ઘાણીથર કેનાલના પુલિયા નજીક નિર્જન ખેતરમાં ચાર શખ્સો શંકાસ્પદ હાલતમાં હથિયારો સાથે બેઠેલા જોવા મળ્યા હતા. તપાસ કરતાં આ શખ્સો ટગા ગામના અલ્તાફ દિનમામદ હિંગોરજા, મુબારક મામદ હિંગોરજા, હનીફ લતીફ નારેજા અને નજરમામદ ઇસ્માઇલ હિંગોરજા હોવાનું જણાયું હતું. તે પૈકી હનીફના હાથમાં બંદૂક અને અન્ય સાથીઓ પાસે છરીઓ હતી. સ્થાનિક યુવાનોએ શિકારીઓને ‘અહીં શિકાર કરવા કેમ આવ્યા છો?’ તેમ કહી સીમમાંથી ચાલ્યા જવા જણાવતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 

આ દરમિયાન ઉશ્કેરાયેલા હનીફે પ્રભુની છાતી પર સીધી બંદૂક તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ તકરાર વધુ ઉગ્ર બનતાં સાથી શખ્સોના ઉશ્કેરાટથી હનીફે સીધું ફાયરિંગ કરી દીધું હતું. જોકે, પ્રભુએ અસાધારણ સમયસૂચકતા દાખવી બંદૂકનું નાળચું હાથથી ઝટકા સાથે ઊંચું કરી દેતાં ગોળી હવામાં ચાલી ગઈ હતી અને તેનો જીવ બચી ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરવાનો પ્રયાસ કરતાં ચારેય શિકારીઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. આ મામલે પ્રભુ રાજપૂતે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તથા આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત આદરી છે.

(ઉત્સવ વૈદ્ય)