Sat Sep 26 2026

Logo

સ્પામાં મસાજના બહાને ગ્રાહકોને બોલાવી આપવામાં આવતી હતી 'એકસ્ટ્રા સર્વિસ' પોલીસે દરોડો પાડતાં જ.......

2026-09-26 14:32:00
Author: Mumbai Samachar Team
સ્પામાં મસાજના બહાને ગ્રાહકોને બોલાવી આપવામાં આવતી હતી 'એકસ્ટ્રા સર્વિસ' પોલીસે દરોડો પાડતાં જ.......

રાજકોટ: રાજકોટ શહેરમાં સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે સનસાઇન વેલનેસ સ્પામાં દરોડો પાડી પોલીસે દેહવ્યાપારની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન સ્પામાંથી છ યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી.

શહેરમાં દેહવ્યાપારના ગુનાઓ શોધી કાઢવા AHTUને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે સનસાઇન વેલનેસ સ્પામાં યુવતીઓને રાખી મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવવામાં આવતા હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ દ્વારા આ માહિતીની ખરાઈ કરવામાં આવતા સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની હકીકત સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ડમી ગ્રાહક મોકલી પોલીસની રેડ

મળેલી બાતમીના આધારે AHTUની ટીમે સમગ્ર મામલાની વધુ ખરાઈ કરવા માટે ડમી ગ્રાહક મોકલ્યો હતો. સાથે બે પંચોને સાથે રાખી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ટીમ દ્વારા સનસાઇન વેલનેસ સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પોલીસ તપાસમાં સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી તરીકે રૂ.1,000 રોકડા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ગ્રાહક સાથે શરીર સંબંધ બાંધવા માટે રૂ.2,500 વધારાના એક્સ્ટ્રા સર્વિસના નામે લેવામાં આવતા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે સ્પા સંચાલક પોતાના આર્થિક લાભ માટે અન્ય યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે સ્પામાંથી રોકડ રકમ અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ.8,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

છ યુવતીઓને દેહવ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવવામાં આવી

રેડ દરમિયાન સ્પામાં હાજર છ યુવતીઓને દેહવ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ યુવતીઓ અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ સ્પામાં ચાલતી પ્રવૃત્તિ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ મામલે સ્પા સંચાલક સામે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની કલમ 3, 4, 5 અને 7 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

25 વર્ષીય સ્પા સંચાલક સામે કાર્યવાહી

આ કેસમાં પોલીસે શંકર અર્જુનભાઈ સોની, ઉંમર 25 વર્ષને આરોપી તરીકે દર્શાવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સ્પા ચલાવતો હતો અને રાજકોટના જ્યોતિનગર મેઇન રોડ, આકાશવાણી ચોક નજીક લાઇફ ઇન્સ્ટિટ્યૂટ પાસે રહેતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ દ્વારા સ્પાની કામગીરી, ત્યાં કામ કરતી યુવતીઓ તેમજ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતી રકમ સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ વધારવામાં આવી શકે છે.

 રાજકોટ શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં પણ પોલીસની પ્રાથમિક તપાસ બાદ દેહવ્યાપારની પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હવે પોલીસ તપાસ દરમિયાન આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી, અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે કેમ અને અન્ય કોઈ સ્થળ સાથે તેનો સંબંધ છે કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.