Tue Oct 06 2026

Logo

ભારતે એશિયન ગેમ્સમાં જીત્યો ત્રીજો ગોલ્ડ મેડલ, મહિલા ટીમે કબડ્ડીમાં ઈરાનને રોમાંચક મુકાબલામાં 37-34થી આપી હાર

2026-09-26 14:55:00
Author: Mayur Patel
ભારતે એશિયન ગેમ્સમાં જીત્યો ત્રીજો ગોલ્ડ મેડલ, મહિલા ટીમે કબડ્ડીમાં ઈરાનને રોમાંચક મુકાબલામાં 37-34થી આપી હાર

ભારતીય મહિલા કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ હતો. ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફાઈનલમાં ઈરાનને 37-34થી હરાવ્યું હતું. આ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેચના પ્રથમ હાફથી જ ભારતીય ટીમે લીડ લીધી હતી. 

ફાઇનલમાં  ઈરાનની ટીમને ભારતીય મહિલા કબડ્ડી ટીમે બે વખત ઑલઆઉટ કરી હતી. બીજા હાફ ઇરાનની ટીમે શાનદાર વાપસી કરી હતી અને ભારતની લીડ માત્ર એક પોઇન્ટ જ થઈ ગઈ હી. પરંતુ અંતિમ પાંચ મિનિટમાં ભારતીય ટીમે વાપસી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

હાફ ટાઈમ સુધી ભારતે ઈરાન સામે 22-16થી લીડ મેળવી લીધી હતી. બીજા હાફની શરૂઆતમાં ઈરાને શાનદાર પ્રદર્શન કર્યું અને એક સમયે સ્કોર 27-26 સુધી પહોંચી ગયો હતો, તેમજ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઈ હતી. મુશ્કેલીઓ વધી રહી હતી, પરંતુ એ જ દરમિયાન ટાઈમ-આઉટ લેવામાં આવ્યો, જે બાદ ભારતીય ટીમે પોતાની રણનીતિ બદલી અને ઈરાનની ટીમને પછાડી હતી. છેલ્લી 5 મિનિટમાં ઈરાનના ખેલાડીઓ ભારે દબાણ હેઠળ જોવા મળ્યા હતા.


ભારત ચોથી વાર ચેમ્પિયન

એશિયન ગેમ્સના ઈતિહાસમાં ચોથી વખત ભારતની મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ તે સિવાયના તમામ પ્રસંગોએ ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સમાં મેડલ જીતવાનો 100 ટકા રેકોર્ડ પણ જાળવી રાખ્યો હતો.

ઈરાન સાથેની ફાઇનલ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમના કેપ્ટન પુષ્પા રાણાએ કહ્યું કે ઈરાન ખૂબ જ કાંટાની ટક્કર આપનારી ટીમ સાબિત થશે તેમ લાગતું હતું, પરંતુ તેમની ટીમ ગોલ્ડ મેડલ જીતીને જ લાવશે તેવો વિશ્વાસ હતો.

ભારતને ત્રીજો ગોલ્ડ

2026 એશિયન ગેમ્સમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. તેમના પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેમજ કમલજીત અને સુરુચિ સિંહે મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત હાલમાં મેડલ ટેલીમાં 27 મેડલ સાથે 12મા ક્રમે છે.