મુંબઈઃ મુંબઈના સુપ્રસિદ્ધ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પરમ કેન્દ્ર સમાન 'લાલબાગચા રાજા'નું ગિરગાંવ ચોપાટી ખાતે અરબી સમુદ્રમાં અત્યંત ભક્તિભાવ અને શાહી ઠાઠ સાથે વિસર્જન સંપન્ન થયું હતું. 22 કલાક બાદ આખરે હજારો ભક્તોએ ભારેહૈયે પોતાના લાડકા રાજાને પુઢચ્યા વર્ષી લવકર યાના જયઘોષ સાથે વિદાય આપી હતી.
સામે આવી રહેલી માહિતી અનુસાર 25મી સપ્ટેમ્બરના રોજ બપોરે લાલબાગ પંડાલમાંથી શરૂ થયેલી શાહી વિસર્જનની શોભાયાત્રા આશરે 21થી 22 કલાક બાદ 26મી સપ્ટેમ્બરની સવારે ગિરગાંવ ચોપાટી પહોંચી હતી. "ગણપતિ બાપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા" ના ગગનભેદી જયઘોષ, અબીલ-ગુલાલની અવિરત વર્ષા અને લાખો ભક્તોની અશ્રુભીની આંખો વચ્ચે લાલબાગચા રાજાને વિશેષ સ્ટીમર-તરાફા (Barge) દ્વારા ઊંડા સમુદ્રમાં લઈ જઈને વિધિવત જળસમાધિ આપવામાં આવી હતી.

22 કલાકની ઐતિહાસિક સફર અને અવિરત સ્વાગત:
લાલબાગ માર્કેટથી શરૂ થઈને ભારતમાતા, ચિંચપોકલી, ભાયખલા, ફાયર બ્રિગેડ હેડક્વાર્ટર, દો ટાંકી અને પ્રાર્થના સમાજ થઈને યાત્રા ચોપાટી પહોંચી હતી. સમગ્ર માર્ગ પર રાતભર લાખો શ્રદ્ધાળુઓ બાપ્પાના અંતિમ દર્શન માટે ઊભા રહ્યા હતા. ઈમારતો પરથી મણમોઢે ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. વિવિધ સમાજો દ્વારા બાપ્પાનું આરતી અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આશરે 22 કલાકની ઐતિહાસિક શોભાયાત્રાનું ગિરગાંવ ચોપાટી ખાતે સમાપન થયું હતું.

ગિરગાંવ ચોપાટી પર શાહી વિદાય:
શનિવારે સવારે ચોપાટી પહોંચ્યા બાદ લાલબાગચા રાજાને ખૂબ જ સાવચેતીપૂર્વક સમુદ્રમાં ફ્લોટ કરતાં વિશેષ તરાફા (Barge) પર બિરાજમાન કરવામાં આવી હતી. મંડળના કાર્યકરો અને સુરક્ષા દળોની ઉપસ્થિતિમાં તરાફો ઊંડા સમુદ્રમાં આગળ વધ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ, ઉત્તર આરતી અને મંત્રોચ્ચાર સાથે લાલબાગચા રાજાને સમુદ્રના જળમાં પધરાવવામાં આવ્યા હતા.
ભક્તો થયા ભાવવિભોર:
10 દિવસ સુધી મનોકામના પૂર્ણ કરનારા બાપ્પા જ્યારે સમુદ્રના મોજાં વચ્ચે વિલીન થઈ રહ્યા હતા, ત્યારે કિનારે ઊભેલા લાખો ભક્તો હાથ જોડીને ભાવુક થઈ ગયા હતા. શાંતિપૂર્ણ અને સુરક્ષિત વિસર્જન સંપન્ન થતાં મુંબઈ પોલીસ, લાઈફગાર્ડ્સ, બીએમસી વહીવટીતંત્ર અને મંડળના સ્વયંસેવકોએ રાહતનો શ્વાસ લીધો હતો.