Tue Oct 06 2026

Logo

હૉકી પ્લેયર દીપિકાના આઠ ગોલ, ભારત 19-0થી જીત્યું

Kakamigahara   2026-09-20 16:33:00
Author: Ajay Motiwala
હૉકી પ્લેયર દીપિકાના આઠ ગોલ, ભારત 19-0થી જીત્યું

કાકામીગાહારા (જાપાન): ભારતની મહિલાઓએ એશિયન ગેમ્સ હૉકી (Hockey)માં ધમાકેદાર શરૂઆત કરી છે. સલીમા ટેટેના નેતૃત્વમાં ભારતે ઉઝબેકિસ્તાનને 19-0ના વિક્રમજનક માર્જિનથી હરાવ્યું હતું. દીપિકા સેહરાવત નામની ખેલાડીએ આઠ ગોલ કર્યા હતા અને એશિયન ગેમ્સની એક મૅચમાં ભારતીય મહિલા ખેલાડીઓમાં આ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે.

પૂલ-બીની આ મૅચ વન-સાઇડેડ બની રહેશે એવું પહેલેથી જ લાગતું હતું અને એવું જ થયું. ભારતીય ટીમે આક્રમણ સતતપણે ચાલુ રાખ્યું હતું જેનો ઉઝબેકિસ્તાનની મહિલા ડિફેન્ડરો પાસે કોઈ જવાબ નહોતો.

બાવીસ વર્ષીય ડ્રૅગ-ફ્લિક સ્પેશ્યલિસ્ટ દીપિકા (Deepika)એ ગોલનો વરસાદ વરસાવ્યો હતો. આઠ, બાવીસ, પચીસ, તેત્રીસ, છત્રીસ, આઠત્રીસ, એકતાલીસ અને ચોપ્પનમી મિનિટમાં ગોલ કર્યા હતા. તે ઈજામાંથી મુક્ત થયા બાદ બહુ સારા ફૉર્મમાં રમી રહી છે.

મિડફીલ્ડર ઇશિકા ચૌધરીએ ત્રણ ગોલ કર્યા હતા, જ્યારે નવનીત કૌર તથા લાલથન્ગલૉન્ગીએ બે-બે ગોલ તેમ જ સાક્ષી રાણા, લાલરેસિયામી, બલજિત કૌર તેમ જ નેહાએ એક-એક ગોલ કર્યા હતા. ભારતીય ટીમ હવે સોમવારે ઇન્ડોનેશિયા સામે રમશે.