Sat Sep 26 2026

Logo

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ કૉંગ્રેસના વધુ 16 ઉમેદવારના નામ જાહેર

2026-09-26 14:50:00
Author: Mayur Patel
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ કૉંગ્રેસના વધુ 16 ઉમેદવારના નામ જાહેર

ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે. કૉંગ્રેસ દ્વારા આજે વધુ 16 ઉમેદવારનો નામ જાહેર કરાયા હતા. આમ આદમી પાર્ટી છોડીને કૉંગ્રેસમાં વાપસી કરનારા સૂર્યસિંહ ડાભીને વોર્ડ-2 માંથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલાં કૉંગ્રેસે 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ કુલ 44માંથી 35 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

વોર્ડ નંબર 2ની સામાન્ય બેઠક પરથી કૉંગ્રેસે સૂર્યસિંહ ડાભીને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. સૂર્યસિંહ અગાઉ કૉંગ્રેસમાં જિલ્લા અને શહેર પ્રમુખ જેવા મોટા હોદ્દા સંભાળી ચૂક્યા હતા. જોકે, પક્ષે તેમને સાઈડલાઈન કરતાં નારાજ થઈને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપમાં તેમને પ્રદેશ મંત્રી બનાવવામાં આવ્યા, પણ યોગ્ય માન-સન્માન ન જણાતાં તેઓ આપ પણ છોડીને ફરી કૉંગ્રેસમાં પરત ફર્યા હતા.

મોવડી મંડળ સાથેની સમજૂતી મુજબ હવે તેમને વોર્ડ નંબર 2માંથી ટિકિટ આપવામાં આવી હતી. તેમની આ ઘરવાપસીથી વોર્ડ 2નું ચૂંટણી ગણિત રસપ્રદ બની ગયું છે. કૉંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 35 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. હવે સૂર્યસિંહની વાપસી ચૂંટણીમાં કેટલો રંગ લાવે છે તે પરિણામો જ નક્કી કરશે.

આ વોર્ડના ઉમેદવારો જાહેર કરવાના છે બાકી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ  વોર્ડ-4 અને 5માં તમામ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. સાથે જ વોર્ડ-6ના બેઠક નંબર ત્રણ પર પછાત વર્ગનો ઉમેદવાર પણ જાહેર કરાયો નથી.

ગાંધીનગર મનપાની ક્યારે છે ચૂંટણી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. 13 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. આ નવી ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયરનું પદ OBC સમાજ માટે અનામત રાખવામાં આવ્યું છે.