Tue Oct 06 2026

Logo

ગાંધીધામ બન્યું ઐતિહાસિક ક્ષણનું સાક્ષી: રૂ. 2300 કરોડના દેશના પ્રથમ ઇ-મિથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત

2026-09-26 15:05:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામ બન્યું ઐતિહાસિક ક્ષણનું સાક્ષી: રૂ. 2300 કરોડના દેશના પ્રથમ ઇ-મિથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત

ભુજઃ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) અને આસામ પેટ્રો કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામ ખાતે દેશના સર્વપ્રથમ ઇ-મિથેનોલ પ્લાન્ટનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. ૨,૩૦૦ કરોડના તોતિંગ ખર્ચે નિર્માણ પામનારા આ અત્યાધુનિક પ્રોજેક્ટથી કંડલા સંકુલ સહિત સમગ્ર કચ્છના ઔદ્યોગિક ક્ષેત્રને મોટો વેગ સાંપડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું, કચ્છના દીનદયાળ પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સ, કંડલા ખાતે આસામ પેટ્રોકેમિકલ્સ લિ.ના નવા 150 TPD ઈ-મિથેનોલ પ્લાન્ટના ભૂમિપૂજન કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી  હિમંત બિસ્વા સરમાજી તેમજ કેન્દ્રીય મંત્રી  સર્વાનંદ સોનોવાલજી સાથે ઉપસ્થિત રહેવાની તક મળી. કચ્છની પવિત્ર ધરા પર શરૂ થયેલો આ ઐતિહાસિક પ્રોજેક્ટ દેશને ગ્રીન એનર્જી અને ગ્રીન શિપિંગના ક્ષેત્રમાં એક નવી દિશા આપશે.

આ પરિયોજના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના વિઝનનું સાક્ષાત્ ઉદાહરણ છે, જ્યાં ગુજરાતની સમૃદ્ધ મેરીટાઇમ ક્ષમતા અને આસામની ઔદ્યોગિક ક્ષમતાનો દીનદયાળ પોર્ટના પ્રાંગણમાં અદભુત સમન્વય જોવા મળી રહ્યો છે.  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત આજે ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન મિથેનોલ અને ગ્રીન શિપિંગ જેવી ભવિષ્યની ઊર્જા પ્રણાલીઓની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત દીનદયાળ પોર્ટને એક મુખ્ય ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. 

આ ઉપરાંત તેમણે કહ્યું, આ મહત્વાકાંક્ષી ઇકોસિસ્ટમમાં આસામ પેટ્રોકેમિકલ્સનો ઈ-મિથેનોલ પ્લાન્ટ એક મજબૂત કડી સાબિત થશે. આનાથી જહાજોને સ્વચ્છ અને હરિત ઈંધણ મળશે, જેનાથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને 'નેટ ઝીરો'ના લક્ષ્યને હાંસલ કરવામાં ઘણી મોટી મદદ મળશે. ક્લીન-ગ્રીન એનર્જી અપનાવીને આપણે 'વિકસિત ભારત'ના સંકલ્પ તેમજ આવનારી પેઢીઓના સુરક્ષિત ભવિષ્ય અને ઊર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છીએ.

 

 હરિત ઊર્જા ક્ષેત્રે અગ્રેસર બનવાની દિશામાં આ પ્લાન્ટ દેશભરમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

(ઉત્સવ વૈદ્ય)