રાજકોટ: શહેરના નવા રિંગરોડ પર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી અને કામમાં ક્ષતિઓ સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મનપા કમિશનર તુષાર સુમેરાએ સમગ્ર મામલે કડક વલણ અપનાવતા બે ઈજનેરોને સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત જવાબદારી નિભાવવામાં બેદરકારી બદલ ડેપ્યુટી કમિશનર અને સિટી ઈજનેરને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.
ત્રણ બ્રિજનું કામ ચાલું
નવા રિંગરોડ પર અલગ-અલગ સ્થળોએ કુલ ત્રણ નાના બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. આશરે 40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ બ્રિજની કામગીરીમાં બેદરકારી તેમજ બાંધકામ સંબંધિત ક્ષતિઓ સામે આવતા મનપા દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સસ્પેન્ડ કરવામાં આવેલા બંને ઈજનેરો સામે હવે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે. આ સાથે જ બ્રિજનું કામ કરનાર કોન્ટ્રાક્ટર બેકબોન કન્સ્ટ્રક્શન સામે પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનર તુષાર સુમેરાએ સ્પષ્ટ કર્યું હતું કે, બ્રિજ જેવા મહત્વના જાહેર બાંધકામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી કે ક્ષતિને સ્વીકારવામાં આવશે નહીં. કામગીરીની ગુણવત્તા અને સલામતી સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ મનપા તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો.
રિપોર્ટ રજૂ કરવા માટેના આદેશ
ત્રણ બ્રિજ (BR-2, BR-3 અને BR-4)ના વાઈડનિંગ કામગીરીની ચકાસણી દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ જ વર્કમેનશીપનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. જેમાં કામગીરીની નબળી ગુણવત્તા અને સ્થળ ઉપર જોવા મળેલી ક્ષતિઓને ગંભીરતાથી લઈને મનપા કમિશનરે તાત્કાલિક અસરથી પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટને સમગ્ર કામગીરીનો ટેકનિકલ સર્વે કરીને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો. આ કામગીરીમાં નિર્ધારિત માપદંડો જળવાયા નથી અને પ્રોજેક્ટની કામગીરીમાં ગંભીર પ્રકારની બેદરકારી અને શિથિલતા દાખવવામાં આવી છે. કામગીરીમાં ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી સામે આવતા ફરી ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.