બરનાલાઃ પંજાબના પ્રખ્યાત ગાયક ગુલાબ સિદ્ધુના શનિવારે મોડી રાતે અમુક અજાણ્યા હુમલાવરોએ તેના ઘરને નિશાન બનાવી ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી છે. ગુલાબ સિદ્ધુ દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાના નજીકના મિત્ર છે. ગુલાબ સિદ્ધુના ઘરે મોડી રાતે અજાણ્યા હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કર્યો હતો. આ સમગ્ર ઘટના બરનાલા જિલ્લાના ફરવાહી ગામમાં બન્યા પછી આસપાસના રહેવાસી લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો.
અગાઉ પણ ધમકીઓ આપી હતી
આ ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી ફુટેજમાં હુમલાવરો ગુલાબ સિદ્ધુના ઘર બહાર ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જાણકારી અનુસાર અગાઉ પણ ગુલાબ સિદ્ધુને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે.
ફાયરિંગ સમયે ઘર પર હાજર નહોતા
પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાના સમયે સિદ્ધુ ઘરે હાજર નહોતા, જોકે તેના પરિવારના સભ્યો ઘરે હાજર હતા. ઘટનામાં કોઈ પણ વ્યક્તિના ઈજાગ્રસ્ત થવાની સૂચના મળી નથી. પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય આરોપીઓ બુકાનીના વેશમાં હતા અને બાઈક પર સવાર થઈને સિદ્ધુના ઘરે પહોંચ્યા હતા, તેમાં વાહનચાલક વ્યક્તિના હાથમાં મોબાઈલ હતો અને તે વીડિયો બનાવી રહ્યો હતો અને અન્ય બે લોકોએ ફાયરિંગ કર્યું હતું.
હુમલાખોરોએ છ રાઉન્ડનું કર્યું ફાયરિંગ
પ્રાથમિક તપાસ અનુસાર હુમલાખોરોએ લગભગ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીઓ ઘરના મુખ્ય ગેટ પર લાગી હતી. પોલીસે કહ્યું કે હુમલાખોરોની ઓળખ અને અટકાયત માટે તપાસ શરૂ છે. આસપાસ લાગેલા અન્ય સીસીટીવી કેમેરામાં ફૂટેજની ચકાસણી પર થઈ રહી છે જેથી આરોપીઓ વિશે કોઈ પુરાવાઓ મળી શકે. પોલીસના જણાવ્યા અનુસાર પંજાબી ગાયક ગુલાબ સિદ્ધુએ પહેલા જ પંજાબ પોલીસ તરફથી બે સુરક્ષાકર્મીઓ ઉપલંબ્ધ કરાવવામાં આવ્યા છે.