મુંબઈઃ જૈન શાસનના બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. શૈલેશમુનિ મ.સા. ના આજ્ઞાનુવર્તી પૂ. મધુબાઈ મ.સ.ના સુશિષ્યા બાળ બ્રહ્મચારી પૂ. રેણુકાબાઈ મહાસતીજી 71 વર્ષની વયે અને 49 વર્ષના સંયમ પર્યાય સાથે કાળધર્મ પામ્યા છે. બુધવાર, નવમી સપ્ટેમ્બર, 2026ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે અમદાવાદના નારણપુરા સ્થિત માણેક ગુરુ ધર્મસ્થાનક (દેવેન્દ્ર પાર્ક) ખાતે તેમણે સમાધિપૂર્વક અંતિમ શ્વાસ લીધા હતા. મહાસતીજીના દેવલોકગમનથી સમગ્ર બોટાદ સંપ્રદાય અને જૈન સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પૂજ્ય શ્રી ધીરગુરુદેવે તેમને ભાવભરી ગુણાંજલિ અર્પણ કરી છે.
સંસાર પક્ષે રેણુકાબેનનો જન્મ નવમી સપ્ટેમ્બર 1957 ના રોજ પિતા નગીનભાઈ શાહ અને માતા શારદાબેનના પરિવારમાં થયો હતો. સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ જાગતાં તેમણે અમદાવાદના નારણપુરા સંઘમાં મહાસુદ પંચમી, તા. 12મી ફેબ્રુઆરી 1978 ના રોજ આચાર્ય પૂ. નવીનચંદ્રજી મહારાજ સાહેબના શુભહસ્તે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી.

49 વર્ષની દીર્ઘ સંયમ સાધના:
દીક્ષા બાદ તેમણે 49 વર્ષ સુધી કઠોર જપ, તપ અને જ્ઞાન-ધ્યાનની ઉત્કૃષ્ટ સાધના કરી હતી. તેમના નાના બહેન પૂ. દીપિકાબાઈ મહાસતીજી પણ સંયમ માર્ગે જોડાઈને દીક્ષિત થયા છે.
પૂ. રેણુકાબાઈ મહાસતીજીની અંતિમ પાલખીયાત્રા ગુરુવાર, 10મી સપ્ટેમ્બરના રોજ સવારે 11.30 કલાકે માણેક ગુરુ ધર્મસ્થાનક, દેવેન્દ્ર પાર્ક, નારણપુરા ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ અને જૈન અગ્રણીઓએ જોડાઈને પૂજ્યશ્રીના સંયમ જીવન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.