Tue Oct 06 2026

Logo

આજે આટલું જ: છટકીને ક્યાંક ક્યાંક જઈએ...

2026-09-13 08:29:00
Author: Shobhit Desai
આજે આટલું જ: છટકીને ક્યાંક ક્યાંક જઈએ...

 

 

 

આણંદજી-કલ્યાણજી, આનંદ બક્ષી, પ્રફુલ્લ પંડ્યા

 

- શોભિત દેસાઈ

 

હાજી... તમે બિલકુલ પકડી વાત. પ્રફુલ્લ પંડ્યાના એક સુંદર ગીતનો જ આ ઉપાડ છે...

 

બંધાયા હોય નહીં તોય એમ લાગે કે છટકીને ક્યાંક ક્યાંક જઈએ...

 

પ્રફુલ્લની વાત આગળ કં એ પહેલાં હિંદી ફિલ્મોના હિંદુ-મુસ્લિમ વાતાવરણમાં જેમને બહુ જ ઓછું મહત્ત્વ અપાયું છે હંમેશાં અને મારા મતે જે સાહિર કે મજહથી સહેજ પણ ઓછા ન્હોતા, નથી અને નહીં હોય એવા શૈલેન્દ્ર અને આનંદ બક્ષીમાંથી બક્ષીની સૌપ્રથમ ફિલ્મ `જબ જબ ફૂલ ખિલે'માં એમણે લખેલી એક સુપર ડુપર સુંદર કવિતાનો અંશ તમારી સાથે વહેંચવાનો લોભ હું જતો નથી કરી શકતો આજે. સંગીતકાર તો તમને ખબર જ છે ને! નહીં? કલ્યાણજી-આણંદજી... અને સ્વરાંકનો એટલે કેવા! રાજા ભોજ જો હોય હયાત તો આનંદ બક્ષી-કલ્યાણજી આણંદજી અને રફીને સૂર અને અક્ષર દીઠ એક એક લાખ સોનામહોર ઓછી કરે ખજાનામાંથી જેથી ખજાનો થોડો હળવો બને...

 

યહાં મૈ અજનબી હું... મૈ જો હું બસ વો હી હું... યહાં મૈ અજનબી હું.

તેરી બાંહોંમેં દેખું, સનમ ગૈરોંકી બાંહેં મૈ લાઉંગા કહાં સે, ભલા ઐસી નિગાહેં

યે કોઈ રકસ હોગા, કોઈ દસ્તુર હોગા મુઝે દસ્તુર ઐસા, કહાં મંઝુર હોગા

ભલા કૈસે યે મેરા લહુ હો જાય પાની? મૈ કૈસે ભૂલ જાઉં મેં હું હિન્દુસ્તાની

યહાં મૈ અજનબી હું...

 

બેડમિન્ટનની રમત ખરી ને! એ રમતમાંથી અમને લગભગ 48 વરસ પહેલા અમારો પ્રેમ મળવા આવેલો. તે આપણે તો ઇ. સ. 1700 આસપાસની સાલના જગતનાં પૂર્વજોપાર્જિત માલિકીભાવ ના પૂરેપૂરા રખેવાળ અને વારસદાર... તે રમત પછી અનિવાર્યપણે હાથ મેળવવા પડે ત્યારે અમને જે કાળઝાળ બળતરા થાય એની તો વાત જ જવા દો. પણ મૂળ મુદ્દો આટલા લંબાણ પછીનો જો કોઈ છે તો એ કે દંભથી જીવવાનું મારે મોત બરાબર. ભલે અમારી સ્પષ્ટ શૈલીની કદર થઈ કે નહીં, પણ...

 

ખરા કે ખોટાની મરજાદ રાખતો જ નહીં

તું બોલ સાચું, કશું યાદ રાખતો જ નહીં

છે શબ્દ ઓછા પરંતુ છે કીમિયો અકસીર

સુખી થવું હો તો ફરિયાદ રાખતો જ નહીં

- શોભિત દેસાઈ

 

એટલે કોઈ પણ વાત મોત સુધ્ધાં ગંભીરતાથી લેવાની અમને આદત જ નથી. તે હવે આટલા લંબાણ પછી મૂળ વાત. ગુજરાતી કવિતાને યુગમાં વિભાજિત કરવાની એક ભયંકર કુટેવ મહાપ્રચલિત છે અને એ `યુગ'નો ગાળો કેટલો, ખબર છે? 4-5 વર્ષ. તો મુંબઈમાં એક નવી કવિતાનો `યુગ' આરંભાયો 1974-75માં, એમાં ચંદુ (ચંદ્રકાંત શાહ)-પ્રફુલ્લીયો (પ્રફુલ્લ પંડ્યા)અને હું, અને આ ત્રણેય પેદાશો છપ્પનની (છપ્પનિયો?!), ચંદુ જુલાઈમાં, પ્રફુલ્લ ઓક્ટોબરમાં અને હું નવેમ્બરમાં. બાકીનાં બધા ત્યારે કદાચ છંદ ઘૂંટવામાં વ્યસ્ત હોઈ શકે, પ્રગટ્યા 1979-80ની આસપાસ. (મેં કહ્યું ને! યુગ પાંચ પાંચ વરસના જ...) જવામાંય બાકીના બે બહુ માનપૂર્વક ક્રમ જાળવી શક્યા જતી વેળાય એનો તો `અનહદ આનંદ'. ચંદુ 2023માં, પ્રફુલ્લ 2026માં અને ક્રમ પ્રમાણે જો 2029માં હું હોઉં તો આ ઊભા રાહ જોતા.

 

મોતને ઘૂંટ્યા કરીશું તો બધું બગડી જશે

પર્ણની માફક પડયા રહીશું, પવન ઘસડી જશે

- શોભિત દેસાઈ

 

તો આજે તા. 8 સપ્ટેમ્બરે અહીંથી નીકળી ગયા છે બીજા જનમ કાજે એ પ્રફુલ્લ પંડ્યા છેલ્લાં ઘણાં વર્ષોથી અમુક વ્યાધિઓથી ખૂબ પરેશાન પણ રહ્યા અને અમુક ઉપાધિઓ એમને બહુ ગમતી પણ હતી. પણ એકલતા `ભોગવવામાં' એ મહાસમર્થ નીકળ્યા. ખુદની અનેક શારીરિક મર્યાદા સાથે એમનું જીવવાનું જોમ અવર્ણનીય. `પ્યારે'ના સંબોધનના તો એ એવડા વ્યસની કે ત્રેંતાલીસ વર્ષ પહેલાં એમની પધરામણી મારાં, માંડ ફ્લેટમાં (મારો પહેલો) થઈ હતી ત્યારે એઓશ્રીએ મારા પિતાશ્રીને પણ કદાચ `પ્યારે અનુકાકા' કહીને સંબોધ્યા હોય એવું આછું સ્મરણમાં છે. મારા બાપાને તો જવા દો, પ્રફુલ્લે, અમે ભારતીય વિદ્યાભવનની અમારી ઓટલાબેઠક પતાવીને નીકળ્યા ત્યારે એમના પિતાશ્રીને પણ `ઓકે પ્યારે! કલ મિલતે હૈ' કહીને વિદાય આપી હોય એવું યાદ આવે છે.

 

પ્રફુલ્લને અત્યાર સુધી ઊભો રાખવામાં મદદ કરનાર સ્વ. જયવદન તકતાવાલા, શોભનાબેન મજીઠીયા, સર્વશ્રી ભિખુ ચિતલીયા, દિપક શાહ, જૂહુ લાયન્સ ક્લબ, દર્શન જરીવાલા, કેતન ગાંધી, પીયૂષ કોઠારી, અરવિંદ શાહ, આશિત મહેતા, ભરત મહેતા, હિતેન દલાલ, ચંદુ શાહ અને અન્ય મારા સિવાયના જેમને હું મળ્યો નથી એ બધાને હું એટલું જ કહું છું - થેન્ક યુ ઓલ.

 

શરૂઆતનો પ્રફુલ્લ એટલે કેવો ગીતકાર-ખબર છે? કોઈક ગળાડૂબ પ્રેમ કરતા અને સંપૂર્ણ ભરોસો કરતા પાત્રે તમને ચાહતથી બાંધ્યા હોય તો પ્રફુલ્લ ઉવાચ...

 

બંધાયા હોય નહીં તોય એમ લાગે કે છટકીને ક્યાંક ક્યાંક જઈએ

 

એક શીશીમાં પૂરી ધુમાડો હાથથી એનો ઘા કરીએ ને ભીંત ફૂટે તો માની લઈએ એક સદીનું મોત થશે એ સાચું...

 

ક્યાંક સાચો પણ હઈશ ક્યાંક ખોટો પણ હોઈશ,

 

શૂળ વાગે ત્યારે તો નહીં, પાછળથી રોઈશ

 

મૂળ પકડવું હોય તો લીલા છોડને જોયા કરવો બાકી થડ જેવું થડ સાવ નકામું ખોટું

 

ભાવ પકડવો હોય તો ભીનો માણસ જોયા કરવો, બાકી ધડ જેવું ધડ સાવ નકામું ખોટું

 

ક્યાંક પાંદડા નીચે રે જઈ બેસીએ,

 

એકલતા સોંસરવી ભીંસ્યા કરે છે તો ભીંસમાંથી મોકળાશ ખેંચીએ

 

અલવિદા... પ્રફુલ્લ પંડ્યા! ધ પોએટ!

 

આજે આટલું જ