નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બર મહિનામાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે વન ટુ વન મુલાકાત કરીને અનેક એવા વિષયો પર ચર્ચા વિચારણા કરી શકે છે. ફ્લોરિડામાં તા.14 અને 15 ડિસેમ્બરમાં યોજાનારા G20 શિખર સંમેલનમાં તેઓ ઉપસ્થિત રહેશે. આ વખતે આ સમગ્ર વૈશ્વિક ઈવેન્ટની યજમાની અમેરિકા કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતામાં યોજાનારા આ સંમેલનમાં અનેક રાષ્ટ્રના વડા જોડાશે. હાલમાં કેન્દ્ર સરકાર તરફથી મોદીના પ્રવાસને લઈને ખાસ કોઈ ચોખવટ કરવામાં આવી નથી. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર દ્વિપક્ષી બેઠક યોજીને મોદી ટ્રમ્પ સાથે ટેરિફના મુદ્દે ચર્ચા કરી શકે છે.
મુલાકાત ખૂબ મહત્ત્વની
બન્ને નેતાઓ વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સહિત અનેક વિષય પર સંવાદ ચાલુ છે. આ સાથે ભારતનો તેલની ખરીદીનો મુદ્દો પણ અહીંયા અસર કરી શકે છે. જે બન્ને દેશના સંબંધોને થોડો વધારે મજબૂતી આપશે. એવામાં મોદી અને ટ્રમ્પની બેઠકમાં વ્યાપારની સાથે ઊર્જા સંબંધિત મુદ્દાઓની વિગતવાર ચર્ચા થઈ શકે છે. ભારત રશિયા પાસેથી મોટી માત્રમાં તેલની ખરીદી કર છે જેને લઈ અમેરિકાને પેટમાં દુખે છે. આ મતભેદને લઈ ટ્રમ્પે ભારતથી આવતા સામાન પર 100 ટકા ટેરિફ લગાવી દેવાની ધમકી ઉચ્ચારી છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે, રશિયા પાસેથી તેલની ખરીદી કરનારા દેશ પર સંભવિત અમેરિકાના પ્રતિબંધ તથા ટેરિફને લઈ ભારત-અમેરિકાની વ્યાપાર વાર્તાને પણ એક અસર થઈ શકે છે. ડિસેમ્બર મહિનામાં અમેરિકાના પ્રવાસ દરમિયાન મોદી અને ટ્રમ્પની મુલાકાત થશે તો વ્યાપારની સાથે ઊર્જાનો મુદ્દો પણ પ્રમુખ બની રહેશે.
શું બોલ્યા રાજદૂત?
ભારતમાં રહેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે તાજેતરમાં વડા પ્રધાન મોદી ડિસેમ્બરમાં જી20 સમિટમાં અમેરિકા આવી રહ્યા છે એવી શક્યતાના સંકેત આપ્યા હતા. ગોરે જણાવ્યું હતું કે, જો રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવે કે, તેઓ કોને મળવા માગે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામને પ્રાથમિકતા આપવામાં આવી હતી. મોદીની આ યાત્રા માત્ર જી20 સમિટ પુરતી જ સમિત નથી. બન્ને નેતાઓ અલગ અલગ મુલાકાતમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા પણ કરી શકે છે. હાલમાં આ મુલાકાતને લઈને ખાસ કોઈ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. બની શકે છે કે, ટ્રમ્પની મુલાકાતની સાથે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર થાય.