મુંબઈઃ બોલિવુડ સુપરસ્ટાર અજય દેવગનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન’ (દ્રશ્યમ 3) 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના રાષ્ટ્રીય રજાના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને પ્રેક્ષકો અને ક્રિટિક્સ તરફથી અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. દ્રશ્યમ ફ્રેન્ચાઇઝીની આ ફિલ્મે પહેલા જ દિવસે કમાણીના અનેક જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચ્યો છે. ચાલો જાણીએ આ ફિલ્મે કેટલા રૂપિયા છાપી લીધા છે.

પ્રથમ દિવસે જ તોડ્યા કમાણીના અનેક રેકોર્ડ
અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મને નેશનલ હોલિડેનો ભરપૂર ફાયદો મળ્યો છે. રિપોર્ટ પ્રમામે વાત કરવામાં આવે તો, ‘દ્રશ્યમ 3’ ફિલ્મે ઓપનિંગ ડે પર જ 80.10 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જ્યારે ભારતભરમાં તેનું નેટ કલેક્શન 66.75 કરોડ રૂપિયા નોંધાયું છે. રિલીઝના પ્રથમ દિવસે દેશભરમાં આ ફિલ્મના આશરે 15,759 શો ચલાવવામાં આવ્યા હતા, જેમાં થિયેટરોમાં સરેરાશ 60.1% ઓક્યુપેન્સી જોવા મળી હતી. આ કમાણી સાથે ફિલ્મે અગાઉની ઘણી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોના ઓપનિંગ ડે રેકોર્ડને પણ માત આપી દીધી છે.

મજબૂત સ્ટારકાસ્ટ અને દમદાર પરફોર્મન્સે ચાહકોને ઘેલા કર્યાં
'દ્રશ્યમ 3: ધ કન્ક્લુઝન' આ સફળ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો અને અંતિમ ભાગ છે. મેકર્સે આ શાનદાર કથાને પહેલા અને બીજા ભાગ સાથે એટલી સચોટ રીતે જોડી છે કે પ્રેક્ષકો શરૂઆતથી અંત સુધી સીટ સાથે જકડાઈ રહે છે. જો તમે અગાઉના બંને ભાગ જોયા હશે, તો આ ફિલ્મ જોવાની મજા બમણી થઈ જશે. સમગ્ર ફિલ્મ દરમિયાન સસ્પેન્સ અને થ્રિલ એવા સ્તરે જળવાઈ રહે છે કે દર્શકો એક ક્ષણ માટે પણ બોર થતા નથી. સુપરસ્ટાર અજયની સાથે આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં જયદીપ અહલાવત, પ્રકાશ રાજ, તબ્બુ, શ્રિયા સરન, ઇશિતા દત્તા અને સૌરભ શુક્લા જેવા દિગ્ગજ કલાકારોએ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. અભિષેક પાઠકના શાનદાર ડાયરેક્શન અને કલાકારોના ઉત્કૃષ્ટ અભિનયના કારણે આ ફિલ્મ સિનેમાઘરોમાં અવિરત કમાણી કરી રહી છે અને બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કરી રહી છે.
