ભુજઃ ગુજરાતના ઐતિહાસિક વારસા માટે ગૌરવરૂપ નિર્ણય લેતાં કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ભાતીગળ પ્રદેશ કચ્છના વિશ્વપ્રસિદ્ધ હડપ્પીય નગર ધોળાવીરાને દેશના અતિ મહત્વના સ્મારકો ધરાવતી ‘કેટેગરી-A’ ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પુરાતત્વ વિભાગ દ્વારા ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા ‘પ્રાચીન સ્મારક તથા પુરાતત્વિય સ્થળ અને અવશેષ (સુધારા) નિયમો, ૨૦૨૬’ ના ડ્રાફ્ટ ગેઝેટ નોટિફિકેશન હેઠળ આ ઐતિહાસિક જાહેરાત કરાઈ છે. આ નવા દરજ્જા સાથે ધોળાવીરા હવે તાજમહેલ, દિલ્હીના લાલ કિલ્લા અને હમ્પી જેવા દેશના સર્વોચ્ચ ૩૦ સ્મારકોની રાષ્ટ્રીય હરોળમાં સત્તાવાર રીતે સામેલ થઈ ગયું છે.
કેન્દ્ર સરકારે વર્ષ ૧૯૫૯ના મૂળ પ્રાચીન સ્મારક નિયમોની ‘બીજી અનુસૂચિ’ (રૂલ ૬)માં સુધારો કરવા માટે આ નવો ખરડો તૈયાર કર્યો છે. નવા નોટિફિકેશન અનુસાર દેશભરના સંરક્ષિત સ્મારકોને બે મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં ભાગ-૧ હેઠળ દેશના ટોચના ૩૦ સ્મારકોને ‘કેટેગરી-A’માં અને ભાગ-૨ હેઠળ અન્ય ૧૩૬ સ્મારકોને ‘કેટેગરી-B’માં મૂકવામાં આવ્યા છે. સરકારી ગેઝેટમાં આ ડ્રાફ્ટ નિયમો પ્રસિદ્ધ થયાના ૪૫ દિવસની અંદર સામાન્ય નાગરિકો કે હિતધારકો પોતાના વાંધા અને સૂચનો ASI નવી દિલ્હીના ડાયરેક્ટર જનરલને મોકલી શકશે, જેના અભ્યાસ બાદ નિયમો આખરી રીતે દેશભરમાં અમલી બનશે.
નવા ગેઝેટ મુજબ ગુજરાતના કુલ ૮ સ્મારકોને આ રાષ્ટ્રીય યાદીમાં સ્થાન મળ્યું છે. જે પૈકી ‘કેટેગરી-A’માં ધોળાવીરા ઉપરાંત પંચમહાલ જિલ્લાનું પાવાગઢ-ચંપાનેર સ્મારક અને પાટણની ઐતિહાસિક રાણી-કી-વાવ એમ ત્રણ સ્થળોનો સમાવેશ થાય છે. જ્યારે ‘કેટેગરી-B’ હેઠળ રાજ્યના પાંચ સ્મારકો—મહેસાણાનું મોઢેરા સૂર્ય મંદિર, ગાંધીનગરની અડાલજ વાવ તેમજ જૂનાગઢ ખાતે આવેલી બૌદ્ધ ગુફાઓ, અશોકના શિલાલેખ અને ખાપરા કોડિયા ગુફાઓને સ્થાન મળ્યું છે.

ધોળાવીરાને દેશનું ટોચનું રક્ષિત સ્મારક જાહેર કરાતાં હવે તેની આસપાસના સમગ્ર પરિસરમાં સુરક્ષા, સંરક્ષણ અને વહીવટી સ્તરે કાયદાકીય નિયમો વધુ કડક બનશે. સ્મારકની નિર્ધારિત સીમા પાસેના ‘પ્રતિબંધિત વિસ્તાર’માં તમામ પ્રકારના નવા બાંધકામ અને ખનન પર સંપૂર્ણ રોક રહેશે, જ્યારે ‘નિયંત્રિત વિસ્તાર’માં કોઈપણ પ્રકારનું સમારકામ કે નિર્માણ કાર્ય હાથ ધરવા માટે કેન્દ્ર સરકાર અને સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની પૂર્વ મંજૂરી તથા સત્તાવાર લાયસન્સ લેવું ફરજિયાત બનશે.
આ ઉપરાંત સ્મારક પરિસરમાં પ્રવેશ ફીનું માળખું અને પ્રવાસી સુવિધાઓ હવે રાષ્ટ્રીય કક્ષાના ‘કેટેગરી-A’ના ધોરણો મુજબ સંચાલિત થશે. પરિસરમાં કાયદાકીય શિસ્ત જાળવવા માટે સક્ષમ સત્તામંડળની લેખિત પરવાનગી વિના કોઈપણ પ્રકારની સભાઓ, જાહેર મેળાવડા કે ખાનગી પાર્ટીઓ યોજી શકાશે નહીં.
ધરોહરને કોઈપણ નુકસાન પહોંચાડવું, રસોઈ કરવી, વ્યવસાયિક જાહેરાતો કે સ્ટોલ લગાવવા, કચરો ફેંકવો તેમજ વાહનો કે પ્રાણીઓને અનિયંત્રિતપણે લઈ જવા પર કડક મનાઈ ફરમાવાઈ છે. વ્યવસાયિક ફિલ્મ શૂટિંગ કે ફોટોગ્રાફી માટે પણ સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ મહાનિર્દેશકની અગાઉથી મંજૂરી મેળવી નિયત ફી ભરવાની રહેશે.