Thu Oct 08 2026

Logo

વડનગરની માટીમાંથી ઉઠેલો અવાજ આજે વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યો છેઃ એકનાથ શિંદે

2026-09-17 17:31:00
Author: Pooja Shah
વડનગરની માટીમાંથી ઉઠેલો અવાજ આજે વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યો છેઃ એકનાથ શિંદે

અમદાવાદઃ આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડનગરની માટીમાંથી ઉઠેલો અવાજ આજે વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યો છે. તેમણે કલમ ૩૭૦ નાબૂદી, રામ મંદિર નિર્માણ અને ડિજિટલ ઈન્ડિયા જેવા ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ કરી વડાપ્રધાનના મક્કમ નેતૃત્વને બિરદાવ્યું હતું. 

કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલે પણ વડાપ્રધાનની ‘લાસ્ટ માઈલ ડિલિવરી’ની નીતિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે, જે વડાપ્રધાનની દૂરદર્શી નીતિઓનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ શર્મિષ્ઠા ઘાટ પરથી કળશમાં જળ ગ્રહણ કર્યું હતું, જે વડનગરથી વારાણસી જનાર બાઈકર્સ દ્વારા કાશી વિશ્વનાથના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. જે આ બે ઐતિહાસિક અને આધ્યાત્મિક નગરો વચ્ચેના અતૂટ સંબંધને પ્રદર્શિત કરશે. મહાઆરતી બાદ મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવથી સુપ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા યોજી હતી.આ સાથે મહાનુભાવોએ ઐતિહાસિક તીર્થધામ શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી દેશ અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.  

વડનગરથી વારાણસી માટે ૨૫૦ જેટલા બાઇકર્સની આ રેલી નક્કી કરાયેલા  રૂટ પર વિવિધ સ્થળોએ રોકાણ કરીને વડાપ્રધાનના સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના સંદેશ સાથે જનજાગૃતિનો પ્રસાર કરશે.  ત્યારબાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાન તેમ જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વડનગર રેલવે સ્ટેશન ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરી નાગરિકોને પોતાના પરિસરને સ્વચ્છ રાખવાનો પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો તેમજ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે ‘એક પેડ મા કે નામ’ ઝુંબેશ અંતર્ગત સ્ટેશન પરિસરમાં  વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.