Mon Oct 05 2026

Logo

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી, ઈંધણ બચાવવા વિદેશ યાત્રા પર પ્રતિબંધ

islamabad   2026-09-17 22:41:57
Author: Chandrakant Kanoja
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી, ઈંધણ બચાવવા વિદેશ યાત્રા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી થઇ રહી છે. જેમાં મિડલ ઈસ્ટમાં વધતાં તણાવ અને લાલ સમુદ્રમાં વેપાર અને પુરવઠાના અવરોધોના લીધે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી રહી છે. જેના પગલે પાકિસ્તાન સરકારે ઈંધણના વપરાશ પરના નિયંત્રણો અને સંઘીય અધિકારીઓ માટે વિદેશ પ્રવાસ પરત્રણ મહિના સુધી પ્રતિબંધ મૂક્યો છે. 

માર્ચ માસમાં પણ કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા 

કેબિનેટ વિભાગે ગુરુવારે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું અને આ પગલાંનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરવા જણાવ્યું છે. પાકિસ્તાનમાં માર્ચ માસમાં પણ કડક નિયમો અને પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. આવા જ નિયમો ફરી લાગુ કરવામાં આવી શકે છે. 

વ્યાપારી સંસ્થાઓ માટે બંધ થવાનો સમય નક્કી

જ્યારે  વિવિધ વ્યાપારી સંસ્થાઓ માટે બંધ થવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં દુકાનો, બજારો, શોપિંગ મોલ, મેળાઓ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને કરિયાણાની દુકાનો રાત્રે 9 વાગ્યા સુધીમાં બંધ થઈ જવી જોઈએ.

રેસ્ટોરન્ટ્સ, કાફે, અને ફૂડ આઉટલેટ્સ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા

તેમજ  લગ્ન સ્થળો, તંબુ સેવાઓ અને અન્ય વ્યાપારી સ્થળો રાત્રે 10 વાગ્યા સુધીમાં બંધ થઈ જવી જોઈએ. રેસ્ટોરન્ટ્સ, કાફે, ખાણીપીણીની દુકાનો અને ફૂડ આઉટલેટ્સ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહી શકે છે. ટેકઅવે અને હોમ ડિલિવરી સેવાઓ આ પ્રતિબંધોમાંથી મુક્ત છે.

ફાર્મસી, હોસ્પિટલો, ક્લિનિક્સ, મેડિકલ લેબ્સને મુકિત 

જ્યારે ફાર્મસી, હોસ્પિટલો, ક્લિનિક્સ, મેડિકલ લેબ્સ, પેટ્રોલ અને સીએનજી સ્ટેશન, ઇવી ચાર્જિંગ સ્ટેશન, જીમ, રમતગમત સુવિધાઓ, આઇટી કંપનીઓ અને કોલ સેન્ટરો આ સમય મર્યાદામાંથી મુકિત આપવામાં આવી  છે.

કર્મચારીઓ સાથે સંબંધિત ન હોય તેવા ખર્ચમાં 5 ટકાનો ઘટાડો

તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં, કર્મચારીઓ સાથે સંબંધિત ન હોય તેવા  ખર્ચમાં દર મહિને 5 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ નિયમ પાકિસ્તાનના વિદેશ સ્થિત મિશન અને ત્યાં તૈનાત અધિકારીઓને પણ લાગુ પડશે. તેમજ ભાડા, શિક્ષણ ફી અને તબીબી ખર્ચ માટેના ભથ્થાં અગાઉની જેમ જ મળવાનું ચાલુ રહેશે. વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને ખર્ચમાંના આ ઘટાડામાંથી મુક્તિ આપવામાં આવી છે.