કોલંબોઃ ટી20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન તો નિરાશાજનક રહ્યું જ હતું, પરંતુ હવે મેદાનની બહાર પણ ટીમની શિસ્ત સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શ્રીલંકામાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાની ટીમના સલમાન મિર્ઝા નામના ખેલાડીએ હોટેલની મહિલા કર્મચારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાની ક્રિકેટની છબિ વધુ ખરડાઈ હોવાની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી હતી. જોકે, હવે આ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટતા કરીને એને ફેક ગણાવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
મીડિયાના અહેવાલો મુજબ આ ઘટના શ્રીલંકાના કેન્ડી શહેરમાં બની હોવાનો દાવો કરાયો હતો, જ્યાં પાકિસ્તાની ટીમ રોકાઈ હતી. સુપર-8 રાઉન્ડની અંતિમ મેચ પહેલા ટીમના એક સભ્યએ હાઉસકીપિંગ સ્ટાફની મહિલા સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો. મહિલાએ તાત્કાલિક હંગામો મચાવતા હોટેલના અન્ય કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા. મામલો ઉગ્ર બનતા ટીમ મેનેજર નવેદ ચીમાને જાણ કરવામાં આવી હતી. હોટેલ મેનેજમેન્ટે ખેલાડી સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
જોકે આ વિવાદ અહીં જ અટક્યો નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ પ્રકરણની ઉંડી તપાસ કરી શકે છે. ટીમ પાકિસ્તાન પરત ફર્યા બાદ સંબંધિત ખેલાડીને બોર્ડ સમક્ષ હાજર થવું પડી શકે છે. હાલમાં શિસ્તભંગના કારણોસર ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડ તેના પર આજીવન પ્રતિબંધ કે મોટો આર્થિક દંડ ફટકારી શકે છે. વર્લ્ડ કપમાં નેટ રનરેટના કારણે સેમિફાઈનલની રેસમાંથી બહાર થયેલી પાકિસ્તાની ટીમ માટે આ સમાચાર પડતા પર પાટું સમાન ગણાવ્યા હતા.
વિદેશી પ્રવાસ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ વિવાદમાં ફસાયા હોય તેવું આ પહેલીવાર નથી. ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન યુવા બેટ્સમેન હૈદર અલી પર પણ ગંભીર આક્ષેપો થયા હતા. વારંવાર બનતી આવી ઘટનાઓ પાકિસ્તાની ટીમના મેનેજમેન્ટ અને ખેલાડીઓના ટ્રેનિંગ પ્રોગ્રામ સામે મોટા પ્રશ્નો ઊભા કરી રહી છે. સમગ્ર બનાવ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે આ પ્રકારના ફેક ન્યૂઝ ચલાવનારા સામે અમે એક્શન લઈશું.