નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થઈ રહેલા વધારા બાદ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની અટકળો તેજ થઈ ગઈ છે. એક બાજુ વૈશ્વિકસ્તરે રોજેરોજ અસ્થિરતા વધી રહી છે, જ્યારે ડોમેસ્ટિક સેક્ટરમાં ઓઇલ કંપનીઓને દરરોજ અંદાજે રૂપિયા 530 કરોડનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે વધતી મોંઘવારી ઇંધણના ભાવ પર વધુ ભારણ લાદી શકે છે. જોકે, કેન્દ્ર સરકારે આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા અંગે કોઈ વિચારણા નથી. સરકારનું પ્રાથમિક ધ્યાન દેશમાં ઊર્જા સુરક્ષા જાળવી રાખવા અને ઈંધણનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા પર છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં કેટલો વધારો થયો?
સપ્ટેમ્બર 2026ના આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત 22 સપ્ટેમ્બર સુધીમાં વધીને 115.27 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જ્યારે ચાલુ મહિનાની સરેરાશ કિંમત 114.83 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહી છે. નવેમ્બરમાં યોજાનારી યુએસ મિડ-ટર્મ ચૂંટણીઓ પહેલાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ભારતના તેલ આયાત બિલ પર દબાણ વધી રહ્યું છે. પરંતુ ક્રૂડ ઓઈલના આ ભાવ વધારાની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થશે કે કેમ?
ઓઈલ કંપનીને નાણાકીય ફટકો પડશે
રેટિંગ એજન્સી ICRAના એક અહેવાલ પ્રમાણે વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધવા છતાં સ્થાનિક સ્તરે છૂટક કિંમતો સ્થિર રાખવામાં આવી હોવાથી સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓને ભારે નાણાકીય ફટકો પડી રહ્યો છે. દાવા પ્રમાણે ઓઇલ કંપનીઓને દરરોજ અંદાજે રૂપિયા 530 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલ પર પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 9 રૂપિયાથી 23 રૂપિયા સુધી ખોટ નોંધાઈ રહી છે. સપ્ટેમ્બર 2026માં એલપીજી સિલિન્ડર પર અંડર-રિકવરી પ્રતિ સિલિન્ડર અંદાજે 300 રૂપિયા સુધી પહોંચી ગયું છે.
હોર્મુઝ દરિયાઈ માર્ગના તણાવની અસર
કાચા તેલની કિંમતો વધવા પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં આવેલો અડચણ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા થતી તેલ અને ઈંધણના ટેન્કરોની અવરજવર પ્રભાવિત થવાને કારણે વૈશ્વિક બજારમાં પૂરતો જથ્થો પહોંચી રહ્યો નથી. ભારત સરકાર આ દરિયાઈ માર્ગે વહાણોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે વાટાઘાટો કરી રહી છે. એટલું જ નહીં પરંતુ ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા પાસેથી કાચા તેલની ખરીદી ચાલુ રાખવાની સાથે સાઉદી અરેબિયા અને ઇરાક જેવા અન્ય દેશો પાસેથી પણ ઈંધણની આયાત વધારવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતો સ્થિર રહેશે તેવું લાગે છે.
સરકાર સંતુલન જાળવવાનો પ્રયાસ કરશે
જો ક્રૂડ ઓઈલના ભાવ ઊંચા રહે અને છૂટક ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર ન થાય, તો સરકારે ભવિષ્યમાં ઓઈલ અને ગેસ કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડવા અંગે વિચાર કરવો પડી શકે છે. બાકી ભાવમાં ભારે અસ્થિરતા આવી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સ્થાનિક સ્તરે ઈંધણના ભાવ સ્થિર રાખવા, ઓઈલ અને ગેસ કંપનીઓની નાણાકીય સ્થિતિ સુરક્ષિત રાખવી અને વધતા જતા ભૌગોલિક-રાજકીય તથા સપ્લાય ચેઈન જોખમો વચ્ચે ઊર્જાનો પુરવઠો અવિરતપણે ચાલુ રહે તે માટે સરકાર સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર છાશવારે દાવાઓ ફગાવે છે, પરંતુ વધતી મોંઘવારીએ આમ આદમીની કમર ભાગી નાખી છે. જીવનજરુરી ચીજવસ્તુઓથી લઈને શાકભાજીના ભાવમાં પણ વધારો થયા કરે છે, જ્યારે પરિવહન મોંઘું થઈ રહ્યું છે, તેમાંય વળી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થાય તો મોંઘવારીમાં ભડકો થશે, જેનાથી સામાન્ય જનતાનું જીવવું મુશ્કેલ બની શકે છે એમ નિષ્ણાતોએ દાવો કર્યો હતો.