Mon Oct 05 2026

Logo

વિદેશી જહાજ પર જૉબના નામે છેતરપિંડી: પ્લેસમેન્ટ એજન્સીના ડિરેક્ટર વિરુદ્ધ ગુનો

2026-09-16 20:11:33
Author: Yogesh D. Patel
વિદેશી જહાજ પર જૉબના નામે છેતરપિંડી: પ્લેસમેન્ટ એજન્સીના ડિરેક્ટર વિરુદ્ધ ગુનો

પ્રતીકાત્મક તસવીર


થાણે: વિદેશી જહાજ પર જૉબને નામે યુવાનો સાથે છેતરપિંડી આચરવા બદલ નવી મુંબઈ પોલીસે મેરિટાઇમ પ્લેસમેન્ટ એજન્સીના ડિરેક્ટર સહિત બે સામે ગુનો દાખલ કર્યો હતો.ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ) દ્વારા ગુપ્ત રીતે તપાસ કરાયા બાદ સીબીડી બેલાપુર પોલીસ સ્ટેશનમાં 10 સપ્ટેમ્બરે એજન્સીના ડિરેક્ટર અને કર્મચારી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઇમિગ્રેશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ મામલે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ કહ્યું હતું.

તપાસમાં જાણવા મળ્યું હતું કે ડિરેક્ટરેટ જનરલ ઓફ શિપિંગ (ડીજી શિપિંગ) દ્વારા કંપનીનું આરપીએસએલ લાઇસન્સ 7 જાન્યુઆરી, 2026ના રોજ કેન્સલ કરાયું હતું.તેમની અધિકૃતતા ગુમાવવા છતાં અને વિદેશી જહાજો પર ક્રૂ સભ્યની ભરતી કે નિયુક્તિ કરવાની કોઇ કાનૂની સત્તા ન હોવા છતાં આરોપીઓએ પોતાનું ઑપરેશન ચાલુ રાખ્યું હતું.લાઇસન્સ કેન્સલ થયા બાદ તેમણે ઓફિસનું સરનામું બદલ્યું હતું, અનધિકૃત હેતુ માટે તેમણે ઘણા ઉમેદવારના પાસપાર્ટ અને કન્ટિન્યૂસ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ્સ (સીડીસી) પોતાની પાસે રાખ્યા હતા અને અરજદારો પાસે નાણાં માગ્યાં હતાં.
સત્તાવાળાઓએ ઉમેદવારોના 16 પાસપોર્ટ, 35 ઉમેદવારોની વિગતો દર્શાવતું રજિસ્ટર, રોકડ અને મોબાઇલ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા. (પીટીઆઇ)