Tue Oct 06 2026

Logo

નાશિકના ઓઝર એરપોર્ટનું નામ બદલીને 'જટાયુ એરપોર્ટ' કરવાની માંગ, સિંહસ્થ કુંભ મેળા પહેલા પ્રસ્તાવ મૂકાયો

2026-10-02 19:00:57
Author: Mumbai Samachar Team
નાશિકના ઓઝર એરપોર્ટનું નામ બદલીને 'જટાયુ એરપોર્ટ' કરવાની માંગ, સિંહસ્થ કુંભ મેળા પહેલા પ્રસ્તાવ મૂકાયો

નાશિકઃ મહારાષ્ટ્રના નાશિક અને ત્ર્યંબકેશ્વરમાં યોજાનારા આગામી સિંહસ્થ કુંભ મેળા પહેલાં ઓઝર એરપોર્ટનું નામ બદલવાની માંગ ઉઠી છે. વિરક્ત સાધુ સમાજ નાસિક મંડળ ટ્રસ્ટ અને શ્રીક્ષેત્ર નાસિક આદ્ય સંત મહંત મંડળ નાશિક ચેરિટેબલ ટ્રસ્ટે ઓઝર એરપોર્ટનું સત્તાવાર નામ બદલીને ‘જટાયુ એરપોર્ટ, નાશિક’ રાખવાની માગણી કરી છે. સંસ્થાઓએ આ માટે નાશિકના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા તથા રામાયણ સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યો છે. 

નાશિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળાની સત્તાવાર શરૂઆત 31 ઓક્ટોબર 2026ના  ધ્વજારોહણ સાથે થશે. 31 ઓક્ટોબરે રામકુંડ, પંચવટી અને ત્ર્યંબકેશ્વરમાં ધ્વજારોહણ કરવામાં આવશે. કુંભ દરમિયાન મોટી સંખ્યામાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, મહંતો અને પ્રવાસીઓ નાશિક પહોંચે તેવી અપેક્ષા છે. 

કુંભના મુખ્ય અમૃત સ્નાનની તારીખો પણ નક્કી કરવામાં આવી છે. પ્રથમ અમૃત સ્નાન 2 ઓગસ્ટ 2027, સોમવતી અમાવસ્યાના દિવસે થશે. બીજું અમૃત સ્નાન 31 ઓગસ્ટ 2027, શ્રાવણ અમાવસ્યાએ યોજાશે. ત્રીજુ અને અંતિમ અમૃત સ્નાન 11 સપ્ટેમ્બર 2027ના  નાશિકમાં ભાદ્રપદ એકાદશીના દિવસે, જ્યારે 12 સપ્ટેમ્બર 2027ના ત્ર્યંબકેશ્વરમાં થશે. આ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટના નામકરણની માંગ કરવામાં આવી છે. 

આ અંગે વિરક્ત સાધુ સમાજ નાશિક મંડળ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેની નકલો મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, પાલકપ્રધાન, અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પણ મોકલવામાં આવી છે. સંગઠનોનું કહેવું છે કે આ માંગ અગાઉ પણ સાધુ-સંતો દ્વારા કરવામાં આવી હતી અને નવી નથી, પરંતુ આગામી સિંહસ્થ કુંભને ધ્યાનમાં રાખીને હવે તેને અમલમાં મૂકવાની યોગ્ય તક છે. 

સાધુ સમાજના જણાવ્યા અનુસાર એરપોર્ટનું નામ જટાયુના નામ પર રાખવાથી નાશિકની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઓળખ મળી શકે છે. રામાયણની પરંપરા અનુસાર જટાયુએ માતા સીતાની રક્ષા કરવા માટે રાવણ સામે યુદ્ધ કર્યું હતું અને આ સંઘર્ષમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. સંગઠનોનું માનવું છે કે ‘જટાયુ એરપોર્ટ’ નામથી નાશિકથી આવતા પ્રવાસીઓનું ધ્યાન આ પૌરાણિક કથા તરફ પણ આકર્ષિત થશે. 

આ ઉપરાંત સંગઠનોએ નાશિક જિલ્લાના ટાકેડ ખાતે આવેલા જટાયુ મંદિર અને તેની સાથે જોડાયેલા ધાર્મિક વારસાને પણ આ નામકરણથી પ્રોત્સાહન મળી શકે તેમ જણાવ્યું છે. તેમના મતે આ માત્ર એરપોર્ટનું નામ બદલવાનો મુદ્દો નથી, પરંતુ ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રવાસનને વેગ આપવાનો એક માર્ગ બની શકે છે.