Wed Oct 07 2026

Logo

IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સ વિ. રાજસ્થાન રોયલ્સ, શું હાર્દિક પંડ્યાની થશે વાપસી?

2026-04-06 18:40:53
Author: Mumbai Samachar Team
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સ વિ. રાજસ્થાન રોયલ્સ, શું હાર્દિક પંડ્યાની થશે વાપસી?

MI


ગુવાહાટીઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2026માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર જોવા મળશે. છેલ્લી મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સને આશા છે કે કેપ્ટન હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ થઈને મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રમશે.

હાર્દિક અસ્વસ્થ હોવાના કારણે દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી મેચ રમ્યો નહોતો. જેમાં તેની ટીમ છ વિકેટથી હારી ગઈ હતી. હાર્દિકની ગેરહાજરીમાં ભારતના ટી-20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ સંભાળી હતી. હાર્દિકની ગેરહાજરીમાં ટીમ કોમ્બિનેશનમાં પણ ફેરફારની જરૂર પડી  હતી. ટીમમાં તેનું સ્થાન લેનારા દીપક ચહરે સારી બોલિંગ કરી, પરંતુ અનુભવી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટના સ્થાને કોર્બિન બોશને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. કારણ કે દક્ષિણ આફ્રિકાના બોલરે ઘણા રન આપ્યા હતા. હાર્દિકે પ્રેક્ટિસ ફરી શરૂ કરી છે, જેનાથી તેની વાપસીની શક્યતા વધી ગઈ છે.

પહેલી મેચમાં શાનદાર બોલિંગ કરનાર શાર્દુલ ઠાકુર છેલ્લી મેચમાં મોંઘો સાબિત થયો. જ્યારે જસપ્રીત બુમરાહે ઓછા રન આપ્યા પરંતુ આ સીઝનમાં હજુ સુધી વિકેટ લીધી નથી. સ્પિનમાં મિશેલ સેન્ટનરે અફઘાનિસ્તાનના સ્પિનર અલ્લાહ ગઝનફરને બદલે ટીમમાં પોતાની પસંદગીને યોગ્ય ઠેરવી હતી અને તે પોતાનું સ્થાન જાળવી રાખે તેવી શક્યતા છે.

જોકે, મુંબઈ ઈન્ડિયન્સના બોલરોએ રાજસ્થાનના ટોચના ક્રમ સામે શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. રાજસ્થાનના ટોચના ક્રમના બેટ્સમેનોએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાને અત્યાર સુધી આક્રમક અભિગમ અપનાવ્યો છે અને મુંબઈએ સાવધ રહેવાની જરૂર છે. ઓપનર યશસ્વી જયસ્વાલ અને યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી છે ત્યારબાદ ધ્રુવ જુરેલે પણ સારુ પ્રદર્શન કર્યું છે.

કેપ્ટન રિયાન પરાગે હજુ સુધી કોઈ નોંધપાત્ર યોગદાન આપ્યું નથી, પરંતુ તે તેની નેતૃત્વ કુશળતાથી આત્મવિશ્વાસ મેળવશે. તેણે અત્યાર સુધી તેની કેપ્ટનશીપથી પ્રભાવિત કર્યો છે, ખાસ કરીને ડેથ ઓવરોમાં તેના વ્યૂહાત્મક નિર્ણયોથી તમામને પ્રભાવિત કર્યા છે. જેના કારણે રોયલ્સે ગુજરાત ટાઇટન્સ પર રોમાંચક વિજય મેળવ્યો હતો.

બોલરોમાં તુષાર દેશપાંડે અને રવિ બિશ્નોઈ પ્રભાવશાળી રહ્યા છે. બિશ્નોઈએ બે મેચમાં પાંચ વિકેટ લીધી છે. બીજી તરફ દેશપાંડેએ ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં 10 રનનો બચાવ કરીને ડેથ ઓવરમાં પોતાની કુશળતા દર્શાવી હતી. મુંબઈ હાલમાં પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે રાજસ્થાન બીજા સ્થાને છે.