Mon Oct 05 2026

Logo

યાત્રિકોના આગમન માટે માતાના મઢ સજ્જ: આસો નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ

2026-09-28 11:21:00
Author: Mumbai Samachar Team
યાત્રિકોના આગમન માટે માતાના મઢ સજ્જ: આસો નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ

ભુજ: કચ્છના કુળદેવી માં આશાપુરાના પવિત્ર પ્રાગટ્ય સ્થાનક માતાના મઢ ખાતે આગામી આસો નવરાત્રિ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પરંપરા અનુસાર ભાદરવા વદ અમાસ, તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ની રાત્રિએ ૯:૩૦ કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ઘટસ્થાપન કરવામાં આવશે. આ સાથે જ આસો સુદ એકમથી નવરાત્રિ અનુષ્ઠાનનો વિધિવત પ્રારંભ થશે. બીજા નોરતે સવારે ૮:૧૫ કલાકે મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાશે. આસો સુદ સાતમ, તા. ૧૮ ઓક્ટોબરના રોજ રાત્રે ૮:૩૦ વાગ્યે પવિત્ર સપ્તમી હવનનો પ્રારંભ થશે, જેની પૂર્ણાહુતિ મધરાત્રે ૧૨:૧૫ કલાકે શ્રીફળ હોમીને કરવામાં આવશે. ત્યારબાદ આઠમના પાવન દિને વહેલી સવારે કચ્છ રાજપરિવાર દ્વારા ઐતિહાસિક પતરીવિધિ સંપન્ન થશે. આસો સુદ દશમી, તા. ૨૦ ઓક્ટોબરના રોજ બપોરે ૧૨:૩૫ કલાકે ગરબા વિસર્જન સાથે ઉત્સવ સંપન્ન થશે.

મઢ જાગીર ટ્રસ્ટના મેનેજર મયૂરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, દર્શનાર્થીઓની સુગમતા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રદ્ધાળુઓને મંદિરના ગેટ નંબર ૪ મારફતે પ્રવેશ અપાશે, જ્યારે દર્શન કર્યા બાદ બહાર જવા માટે ગેટ નંબર ૧, ૨ અને ૩નો ઉપયોગ કરવાનો રહેશે. બીજી તરફ, સ્થાનિક વ્યવસ્થા અંગે સરપંચ કાસમભાઈ કુંભારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, દર વર્ષની માફક બહારથી આવતા વેપારીઓ માટે ૩૦૦થી વધુ પ્લોટની ફાળવણી કરવામાં આવશે. સમગ્ર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે દિવસમાં ત્રણ વખત સફાઈ કરાશે તેમજ ગ્રામજનોને ૨૪ કલાકમાં બે વાર પીવાનું પાણી મળી રહે તેવું આયોજન ઘડાયું છે.

દરમ્યાન, લખપત તાલુકાની મૂળ વસ્તી ૬૦ હજારની છે, તેની સામે નવરાત્રિ દરમિયાન પ્રતિદિન આટલી જ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે; જ્યારે રવિવારે આ આંકડો એક લાખને પાર પહોંચી જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભુજથી મઢ સુધીના પદયાત્રી માર્ગો અને સેવા કેમ્પોમાં નર્મદાના પીવાના પાણીનો પૂરતો જથ્થો ફાળવવા માંગ ઉઠી છે. આ ઉપરાંત, ગત વર્ષે એસ.ટી. બસોની સર્જાયેલી અછતને ધ્યાને રાખી આ વખતે હંગામી ડેપો પરથી વધારાની બસો દોડાવવા અનુરોધ કરાયો છે.

પદયાત્રીઓ અને માઈભક્તોની સલામતી માટે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સામખિયાળીથી માતાના મઢ સુધી ૫૦૦થી વધુ પોલીસ જવાનો, મહિલા પોલીસ અને જી.આર.ડી.નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. જોકે, આટલા મોટા કાફલા છતાં છેલ્લા કેટલાક વર્ષોથી ભીડનો લાભ ઉઠાવી પાકીટમારી, સોનાની ચેઈન અને મંગળસૂત્રની ચોરી કરતી ટોળકીઓ સક્રિય રહે છે. ગત નવરાત્રિમાં પણ મંદિર પરિસરમાંથી પનવેલના એક દર્શનાર્થીની ચાર તોલાની સોનાની ચેઈન સહિત એક ડઝનથી વધુ કિંમતી ચીજવસ્તુઓની ચોરીની ફરિયાદો નોંધાઈ હતી. ભાવિકોમાં સલામતીની ભાવના જળવાઈ રહે તે માટે આ વર્ષે પોલીસ પ્રશાસન આવા અસામાજિક તત્વો સામે વધુ કડક અને બાજ નજર રાખે તેવી વ્યાપક લોકલાગણી પ્રવર્તી રહી છે.

(ઉત્સવ વૈદ્ય)