Tue Oct 06 2026

Logo

અમૃતા ફડણવીસના ડિનર આમંત્રણ પર મનોજ જરાંગેએ કહ્યું: ‘બહેન, ભાઈબીજ પર બોલાવજો’

2026-09-10 17:28:28
Author: Mumbai Samachar Team
અમૃતા ફડણવીસના ડિનર આમંત્રણ પર મનોજ જરાંગેએ કહ્યું: ‘બહેન, ભાઈબીજ પર બોલાવજો’

મુંબઈ/જાલના: મરાઠા એક્ટિવિસ્ટ મનોજ જરાંગે પાટિલના મરાઠા આરક્ષણ આંદોલન વચ્ચે અમૃતા ફડણવીસના એક નિવેદનને લઈને હાલમાં ચર્ચા તેજ બની છે. અમૃતા ફડણવીસે મનોજ જરાંગેને પોતાના ભાઈ ગણાવીને તેમને પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.

આંદોલન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં મનોજ જરાંગેએ આ આમંત્રણ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે અમૃતા ફડણવીસને સંબોધીને કહ્યું કે હાલમાં આંદોલન ચાલી રહ્યું છે અને તેમના માટે આ સંઘર્ષનો સમય છે. જરાંગેએ કહ્યું કે જ્યારે ભાઈ ‘યુદ્ધક્ષેત્ર’માં હોય ત્યારે બહેનોએ તેને જમવા માટે બોલાવવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે તેઓ પોતાની બહેનોના પ્રેમ અને લાગણીનું સન્માન કરે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં આંદોલનની વચ્ચે ભોજન માટે જવું યોગ્ય રહેશે નહીં.

બહેન, મને ભાઈબીજ પર બોલાવજો

મનોજ જરાંગેએ કહ્યું કે જો બહેનો તેમને ભાઈબીજના અવસર પર બોલાવશે તો તેઓ ચોક્કસ જશે. તેમણે કહ્યું કે તેઓ પોતાની બહેનોના ઘરે પરંપરાગત વસ્ત્રો લઈને જવાની પરંપરા નિભાવે છે અને તે સમયે તેમની સાથે ભોજન પણ કરશે. અમૃતા ફડણવીસના આમંત્રણ અંગે જરાંગેએ કહ્યું કે જો તેઓ હાલમાં આંદોલનની વચ્ચે ભોજન માટે જાય તો તેમના સંઘર્ષ પર અસર પડી શકે છે.

તેમણે કહ્યું કે આંદોલન દરમિયાન તેઓ સમર્થકો સાથે એક મહત્વપૂર્ણ લડાઈ લડી રહ્યા છે અને આવા સમયે તેમણે પોતાની ભૂમિકા પર અડગ રહેવું જરૂરી છે. જરાંગેએ વધુમાં કહ્યું કે બહેનોએ તેમની પરિસ્થિતિ સમજવી જોઈએ અને તેમના પ્રત્યે પ્રેમની લાગણી જાળવી રાખવી જોઈએ. તેમના આ નિવેદનને અમૃતા ફડણવીસ સાથેના સંબંધોને લઈને નરમ છે, પરંતુ રાજકીય રીતે સાવચેત પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યા છે.

દરેક વાતને વિવાદ બનાવવાની જરૂર નથી

મનોજ જરાંગેએ આગળ કહ્યું કે જો કોઈ વ્યક્તિ કોઈ મુદ્દા પર સારા ઈરાદાથી વાત કરે તો દરેક વાતને વિવાદનો વિષય બનાવવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે તેમના જવાબમાં પણ એ જ ભાવના છે, જે ભાવનાથી તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં આંદોલનનો સમય છે અને આ દરમિયાન અન્યત્ર જવું યોગ્ય રહેશે નહીં.

જરાંગેએ કહ્યું કે ભાઈ-બહેનનો સંબંધ અને ભાઈચારાની લાગણી પોતાની જગ્યાએ છે, પરંતુ હાલમાં મરાઠા આરક્ષણ માટેનો સંઘર્ષ ચાલુ છે. તેમણે સંકેત આપ્યો કે આંદોલન પૂર્ણ થયા બાદ અથવા ભાઈબીજ જેવા અવસર પર તેઓ આ આમંત્રણ સ્વીકારી શકે છે. દરમિયાન તેમના નિવેદનથી અમૃતા ફડણવીસના ‘મનોજ જરાંગે મારા ભાઈ છે’ એવા નિવેદનને લઈને ચાલી રહેલી ચર્ચા વધુ રસપ્રદ બની છે.