વોશિંગ્ટન: રવિવારે વહેલી સવારે ન્યૂયોર્ક શહેરના એક સબવે સ્ટેશન પર ભારતીય મૂળના બે યુવાનોનાં ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યાં હતાં. એવી માહિતી મળી છે કે અકસ્માત પહેલાં તરત જ બંનેને પાટા (ટ્રેક) પર બેઠેલા જોવામાં આવ્યા હતા.
ન્યૂયોર્ક ડેઇલી ન્યૂઝ અનુસાર, 24 વર્ષીય મલ્લિકા ચિત્રે અને નવમ કૌલ ડાઉનટાઉન મેનહટ્ટનના સ્પ્રિંગ સ્ટ્રીટ સ્ટેશનના ટ્રેક પર હતા, ત્યારે વહેલી સવારે આશરે 3:15 વાગ્યે નંબર 4 ટ્રેન તેમની તરફ આવી હતી.
અકસ્માત સમયે બંને પાટા પર હતા
ટ્રેન ઓપરેટરે પોતાના અધિકારીઓને જણાવ્યું કે તેણે બંનેને ટ્રેક પર બેઠેલા જોયા હતા અને ટ્રેનને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રેનની ટક્કર પહેલાં યુવતી હસી રહી હતી અને યુવકને પોતાની તરફ ખેંચતી જોવા મળી રહી હતી.
ઇમરજન્સી બ્રેક લગાવવા છતાં ન રોકાઈ ટ્રેન
AmNewYork ના અહેવાલ મુજબ, ટ્રેન ઓપરેટરે ઇમરજન્સી બ્રેકનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે સમયસર ટ્રેન રોકવામાં સફળ ન રહ્યો. ઘટનાસ્થળે પહોંચેલા ઇમરજન્સી બચાવ દળને બંને પીડિતો ટ્રેન નીચે ફસાયેલા મળ્યા હતા અને તેમને ત્યાં જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, તપાસકર્તાઓ એ બાબતની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે શું બંને યુવાનો એટલા નશામાં હતા કે તેમને પોતાની તરફ આવતી ટ્રેનના જોખમનો અંદાજ જ ન આવી શક્યો.
રટગર્સ યુનિવર્સિટીમાંથી કર્યો હતો અભ્યાસ
મલ્લિકા ચિત્રે અને નવમ કૌલ બંને લાંબા સમયથી મિત્રો હતા અને બંનેએ આ જ વર્ષે 2024માં ન્યૂ જર્સીની રટગર્સ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.
એક અહેવાલ મુજબ, ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ કેસમાં હજી સુધી કોઈ વધારાની માહિતી ઉપલબ્ધ કરાવી નથી, અને મામલાની તપાસ ચાલી રહી છે.