મહારાષ્ટ્રમાં રખડતા કૂતરાઓની સમસ્યા હવે માત્ર રસ્તાઓ કે જાહેર સ્થળો પૂરતી સીમિત રહી નથી, પરંતુ સામાન્ય નાગરિકો માટે જીવલેણ જોખમ બની રહી છે. નાશિકમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે થયેલા જનઆંદોલન વચ્ચે માહિતી અધિકાર (RTI) હેઠળ સામે આવેલા સત્તાવાર આંકડાઓએ સમગ્ર રાજ્યમાં કૂતરા કરડવાની ગંભીર પરિસ્થિતિ તરફ ધ્યાન દોર્યું છે.
રાઈટ ટુ ઈન્ફોર્મેશન એત્ટિવિસ્ટ કમલાકર દરવડે દ્વારા માંગવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2021થી 2025 વચ્ચે રાજ્યમાં 47 લાખથી વધુ લોકોને શ્વાન કરડ્યો છે. આટલી મોટી સંખ્યામાં બનેલી ઘટનાઓએ રાજ્યના આરોગ્ય તંત્ર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
મુંબઈમાં સૌથી વધુ કેસ નોંધાયા
શ્વાન કરડવાના કિસ્સામાં આખા મહારાષ્ટ્ર રાજ્યમાં દેશની રાજધાની ગણાતું મુંબઈ સૌથી વધુ પ્રભાવિત શહેર બન્યું છે. પાંચ વર્ષના ગાળામાં એકલા મુંબઈમાં જ 5,29,650 લોકો શ્વાન કરડવાનો ભોગ બન્યા છે. ગીચ વસ્તી ધરાવતા મહાનગરમાં ગલીઓ, શાકભાજી માર્કેટ, સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર રખડતા શ્વાનોની વધતી સંખ્યાને કારણે મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.
વાત કરીએ છેલ્લાં પાંચ વર્ષમાં એટલે કે 2021થી 2025 સુધી 47,37,763 જેટલા શ્વાન કરડવાના કેસ, જ્યારે બિલાડી કરડવાના 4,66,392 કેસ તો વાંદરાઓના હુમલાના 43,955 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાત કરીએ રેબિઝ એટલે કે શ્વાન, બિલાડી અને વાંદરા કરડ્યા બાદ યોગ્ય સારવાર કે રસીકરણના અભાવે રાજ્યમાં 134 લોકોએ હડકવાના કારણે જીવ ગુમાવ્યો હતો.
આરોગ્ય તંત્ર સામે મોટો પડકાર
મહારાષ્ટ્રના નાશિકમાં થયેલાં આ વિચિત્ર આંદોલન બાદ હવે સમગ્ર રાજ્યમાં રખડતા કૂતરાઓના ખસીકરણ , સમયસર એન્ટી-રેબીઝ વેક્સિનેશન અને કડક મોનિટરિંગની માગણી વધારે જોર પકડી રહી છે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની હાલની વ્યવસ્થા આ સમસ્યાને ડામવામાં વામણી સાબિત થઈ રહી છે.