જાલના: જાલના જિલ્લામાં બે પોલીસ કર્મચારી સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે, જેમાંથી એક જણ વાયરલ ઑડિયો રેકોર્ડિંગમાં ડીઝલની ચોરીના કેસમાં એક વ્યક્તિની ધરપકડ ન કરવાના બદલામાં લાંચ માગતો હોવાનું સંભળાયું હતું.
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસપી) તેગબીર સિંહ સંધુએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ જાફરાબાદ પોલીસ સ્ટેશનના બંને પોલીસ કર્મચારી સામેના આરોપોની તપાસ કરશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઑડિયો ક્લિપમાં એક પોલીસ કર્મચારી કથિત રીતે કૃષ્ણા ભાંબલેને જાણ કરે છે કે તેની સામે અરૅસ્ટ વોરન્ટ જારી કરાયું છે અને તેને યુપીઆઇથી રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતો સંભળાય છે.
ભાંબલે કહે છે કે તેણે કોર્ટમાંથી જામીન મેળવી લીધા છે અને તેના ઘરે લગ્ન પહેલાનો કાર્યક્રમ યોજાયો છે. તેણે પોલીસ કર્મચારીને કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. જોકે કથિત ઑડિયો ક્લિપ મુજબ પોલીસ કર્મચારીએ રૂપિયા માટે આગ્રહ રાખ્યો હતો.
7 ઑક્ટોબરની આ ઘટના બાદ જાફરાબાદના સામાજિક કાર્યકરે વરિષ્ઠ પોલીસ અધિકારીનો સંપર્ક સાધ્યો હતો અને આ મામલે તપાસની તેમ જ આરોપ સાબિત થાય તો પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી હતી. તેની ફરિયાદમાં ઑડિયો રેકોર્ડિંગમાં જેનો અવાજ સંભળાયો એ પોલીસ કર્મચારી અને અન્ય પોલીસ કર્મચારીના નામનો ઉલ્લેખ છે, જેને સમન્સ બજાવવા અને વોરન્ટની અમલબજાવણીનું કામ સોંપવામાં આવ્યું હતું. (પીટીઆઇ)