Thu Oct 08 2026

Logo

વડા પ્રધાન મોદીના જન્મદિને કચ્છમાં સેવાયજ્ઞ, વિશેષ દીપોત્સવનું મહાઆયોજન

2026-09-17 12:55:30
Author: Mumbai Samachar Team
વડા પ્રધાન મોદીના જન્મદિને કચ્છમાં સેવાયજ્ઞ, વિશેષ દીપોત્સવનું મહાઆયોજન

ભુજ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76માં જન્મદિન નિમિત્તે કચ્છ જિલ્લામાં વિવિધ જનકલ્યાણકારી સેવા કાર્યો અને ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં સેવાકીય પ્રકલ્પો હાથ ધરાશે, જ્યારે સમગ્ર જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત એકસાથે 344,500 દીપ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવશે.

ખાસ સેમિનાર યોજાશે

સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આયોજિત કાર્યક્રમોની શ્રેણીમાં સવારે 9વાગ્યે ભુજ ટાઉનહોલ ખાતે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વધારવા ‘સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર’ યોજાશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે આંબેડકર ભવન ખાતે દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરાશે. બપોરે 3.30 કલાકે રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ‘સાયન્સ સેમિનાર-2026 તેમજ સાંજે 4.30 વાગ્યે કેમ્પ એરિયા સ્થિત ટી.બી. હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે ‘ટી.બી. મુક્ત કચ્છ અભિયાન’ હેઠળ દર્દીઓને ન્યુટ્રિશન (પોષણ) કિટનું વિતરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાશે. બીજી તરફ, વહીવટી તંત્ર અને સંગઠન દ્વારા કચ્છની 626 ગ્રામ પંચાયતો, ધાર્મિક સ્થળો, સરકારી સંકુલો અને અમૃત સરોવરના તટે કુલ 3.44 લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવશે. જેમાં ભુજ તાલુકામાં 61 હજાર, અંજારમાં 56 હજાર, અબડાસામાં 52 હજાર, માંડવીમાં 48 હજાર, રાપરમાં 45 હજાર, લખપતમાં 32 હજાર, મુંદરામાં 21 હજાર, ભચાઉમાં 15 હજાર અને નખત્રાણા તાલુકામાં 14500 દીવડા પ્રગટાવી લોકાશીર્વાદ અર્પણ કરાશે.

વિશેષ દીપોત્સવ ઉજવાશે

આ પ્રસંગે યાત્રાધામ માતાના મઢ, ગોવર્ધન પર્વત (સતાપર), માંડવીના ક્રાંતિતીર્થ, ભુજના સ્મૃતિવન સ્મારક તેમજ કટારીયાના માનસ હનુમાન મંદિર ખાતે વિશેષ દીપોત્સવ યોજાશે. આ ઉપરાંત રાપર અને ગાંધીધામ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ, આરટીઓ કચેરીઓ દ્વારા માર્ગ સલામતી સેમિનાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્તિ અંગે શાળા-કોલેજોમાં જાગૃતિ અભિયાન ચલાવી સવાયા કચ્છી વડાપ્રધાનના જન્મદિનને અનોખી રીતે ઉજવવામાં આવશે.

ઉત્સવ વૈદ્ય