ભુજઃ કચ્છમાં અપૂરતા વરસાદ વચ્ચે દુષ્કાળનો ભય મંડરાઈ રહ્યો છે અને સરહદી વિસ્તારોમાંથી માલધારીઓની હિજરત શરૂ થઈ છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ ચરણમાં પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં ઝાપટાંથી લઈ એક ઈંચ સુધીનો વરસાદ વરસતાં પાછોતરી મેઘમહેરની નવી આશા કચ્છીઓમાં જાગી છે. હવામાન વિભાગે આગામી ૧૨ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી માહોલ સક્રિય રહેવાની આગાહી કરી છે.
વરસાદથી સુકાઈ રહેલા પાક અને ઘાસચારાને મોટું અભયદાન
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં વહેલી સવારે જોરદાર ઝાપટું પડ્યા બાદ દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. અબડાસા પંથકમાં અડધાથી એક ઈંચ જેટલા પડેલા વરસાદથી સુકાઈ રહેલા પાક અને ઘાસચારાને મોટું અભયદાન મળ્યું છે. આ ઉપરાંત વાયોર, વાગોટ, રામપર, ગોયલા, કોઠારા, કનકપર, ડુમરા તેમજ દરિયાઈ પટ્ટીના સિંધોડી અને જખૌ ગામોમાં પણ વરસાદી છાંટા અને ઝાપટાં નોંધાયા હતા.
નખત્રાણા તાલુકાના જડોદર, ઉખેડા, ટોડિયા, કાદિયા, મથલ અને રસલિયાના સીમાડામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ટોડિયામાં ૨૦ મિનિટ સુધી પડેલા ઝાપટાંથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. આ વરસાદથી ખેતરોના મોલ અને સીમાડાના ઘાસચારાને મોટો ફાયદો થયો છે.
બફારો યથાવત
આ સિવાય ભુજ તાલુકાના કોટડા (ચકાર) અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારે હળવાં ઝાપટાં પડ્યા હતા. ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલી વિગતો મુજબ અબડાસામાં ૧૨ મિ.મી., લખપતમાં ૩ મિ.મી. અને માંડવીમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ભુજ શહેરમાં અમી છાંટણા વચ્ચે બફારો અને ગરમીનું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)