Thu Oct 08 2026

Logo

કચ્છમાં દુષ્કાળનો ડર દૂર: અનરાધાર મેઘમહેરથી કલેક્ટર કચેરીએ મીઠાઈ વહેંચી વધામણાં કરાયાં

2026-09-16 11:09:20
Author: Mayur Patel
કચ્છમાં દુષ્કાળનો ડર દૂર: અનરાધાર મેઘમહેરથી કલેક્ટર કચેરીએ મીઠાઈ વહેંચી વધામણાં કરાયાં

ભુજ: લાંબા વિરામ બાદ કચ્છ જિલ્લા પર મંડરાઈ રહેલા આંશિક અછતના સંકટ વચ્ચે વરુણદેવની કૃપાદૃષ્ટિ થતાં સરહદી પંથકમાં સર્વત્ર આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો અને માલધારીઓમાં નવજીવનનો સંચાર થતાં જિલ્લાના પ્રજાપ્રતિનિધિઓએ ભુજ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને હર્ષભેર મેઘરાજાનાં વધામણાં કર્યાં હતાં.

સાંસદ-ધારાસભ્યો રહ્યા હાજર

કચ્છની જીવાદોરી સમાન આ વરસાદને આવકારવા માટે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના વરિષ્ઠ અગ્રણીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જનપ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર અમિત રાણાવસિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી.

 ખેડૂતોના મુખ પર ફરી રોનક આવી

આ પ્રસંગે પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, ભાદરવાના આરંભે વરસેલા આ કાચા સોના જેવા વરસાદથી જિલ્લામાં પીવાના પાણીની વિકટ સમસ્યા હલ થશે, સુકાઈ રહેલા પાકને સંજીવની મળશે અને અબોલ પશુધન માટે સીમાડામાં પૂરતો ઘાસચારો ઉપલબ્ધ બનશે. વરસાદી મહેરથી હતાશ થયેલા ખેડૂતોના મુખ પર ફરી રોનક આવી ગઈ છે અને ગ્રામીણ અર્થતંત્રને ટેકો સાંપડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં કચ્છમાં સાર્વત્રિક વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એક તાલુકામાં 6 ઇંચથી વધારે, એક તાલુકામાં 2 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. 105 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. કચ્છના માંડવીમાં સૌથી વધુ 6.97 ઇંચ, અબડાસામાં 2.13 ઇંચ, મુન્દ્રામાં 1.69 ઇંચ, નખત્રાણામાં 1.30 ઇંચ, ભુજમાં 1.26 ઇંચ,  લખતપતમાં 0.91 ઇંચ, ઓખામંડળમાં 0.91 ઇંચ, ખંભાળિયામાં 0.91 ઇંચ, સિહોરમાં 0.71 ઇંચ, ગાંધીધામમાં 0.63 ઇંચ, નડિયાદમાં 0.63 ઇંચ,  સુરત શહેરમાં 0.59 ઇંચ, અંજારમાં 0.55 ઇંચ, ગારિયાધારમાં 0.51 ઇંચ, કપરાડામાં 0.47 ઇંચ, પોરબંદરમાં 0.43 ઇંચ, ખેરગામમાં 0.43 ઇંચ, પાટણમાં 0.39 ઇંચ, જામનગરમાં 0.35 ઇંચ વરસાદ વરસ્યો હતો.

(ઉત્સવ વૈદ્ય)