Mon Oct 05 2026

Logo

ભોપાલથી ઝડપાયેલા બોગસ પાસપોર્ટ કૌભાંડના તાર કચ્છ સાથે જોડાયા, 70થી વધુ બાંગ્લાદેશીઓના નકલી પાસપોર્ટ બન્યા

2026-09-21 14:38:00
Author: Vimal Prajapati
ભોપાલથી ઝડપાયેલા બોગસ પાસપોર્ટ કૌભાંડના તાર કચ્છ સાથે જોડાયા, 70થી વધુ બાંગ્લાદેશીઓના નકલી પાસપોર્ટ બન્યા

Ai Image


ભુજ: બનાવટી દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોના ભારતીય પાસપોર્ટ બનાવી આપવાના આંતરરાજ્ય કૌભાંડમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. મધ્યપ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા ભોપાલથી ઝડપાયેલા મુખ્ય આરોપી નસીમ અખ્તરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ કરેલી કબૂલાતમાં આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર મહારાષ્ટ્રના નાગપુર ઉપરાંત સરહદી કચ્છ જિલ્લા સાથે સીધા જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

બોગસ પાસપોર્ટ માટે નકલી સરનામાનો ઉલ્લેખ કરવામાં આવતો

તપાસ એજન્સીઓ પાસેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, ભોપાલથી ઇશ્યૂ કરવામાં આવેલા બોગસ પાસપોર્ટ માટે કચ્છ તેમજ નાગપુરના નકલી અને બોગસ રહેણાંક સરનામાઓનો આધાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા સરહદી કચ્છ જિલ્લાના સરનામે વિદેશી ઘૂસણખોરોના પાસપોર્ટ બનાવવામાં આવ્યા હોવાની વિગત બહાર આવતાં જ ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળો પણ સતર્ક બન્યા છે.

સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધારે જણાવી સમગ્ર હકીકત

કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી હાથ ધરાયેલી આકરી પૂછપરછમાં બહાર આવ્યું છે કે, સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર રિયાલ ચૌધરી શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પાસેથી પાસપોર્ટ દીઠ રૂપિયા 30,000 ઉઘરાવતો હતો. જેમાંથી રૂપિયા 20,000 ભોપાલમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સી ચલાવતા મુખ્ય એજન્ટ નસીમ અખ્તરને પહોંચાડવામાં આવતા હતા. આ કૌભાંડમાં ભોપાલ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રના એક કર્મચારીની પણ સીધી સંડોવણી ખુલી છે, જે કટકી લઈને આવા બોગસ દસ્તાવેજો ધરાવતી ફાઈલોને વેરિફિકેશન વગર સરળતાથી ક્લિયર કરાવી આપતો હતો.

અત્યાર સુધીમાં આવા બનાવટી કાગળોના આધારે આશરે 70 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોના ઓરિજિનલ ભારતીય પાસપોર્ટ કઢાવી આપવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો રેકર્ડ પર આવી છે. આ નેટવર્કમાં કચ્છના કયા સ્થાનિક એજન્ટો કે મધ્યસ્થીઓએ બનાવટી સરનામાના કાગળો પૂરા પાડવામાં મદદ કરી હતી, તે દિશામાં મધ્યપ્રદેશ એસટીએફ અને એસઆઈટી દ્વારા કચ્છ પોલીસ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)