Thu Oct 08 2026

Logo

યુટ્યુબ જોઈને ઘરમાં જ બનાવી નાખી બંદૂક! પૂર્વ કચ્છના પડાણામાંથી દેશી તમંચા સાથે યુવક ઝડપાયો

2026-09-17 12:40:05
Author: Mayur Patel
યુટ્યુબ જોઈને ઘરમાં જ બનાવી નાખી બંદૂક! પૂર્વ કચ્છના પડાણામાંથી દેશી તમંચા સાથે યુવક ઝડપાયો

ભુજ: સોશિયલ મીડિયાના દુરુપયોગનો અત્યંત ચોંકાવનારો કિસ્સો પૂર્વ કચ્છમાં સામે આવ્યો છે. પડાણા ગામે યુટ્યુબ પર ‘હાઉ ટુ મેક અ રિયલ ગન’ના વીડિયો જોઈને જાતે જ દેશી તમંચો-બંદૂક તૈયાર કરનાર એક સ્થાનિક શખ્સને પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ કચ્છ એસઓજીની ટીમ પડાણા પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ગામથી સીમ તરફ જતા માર્ગ પર આવેલી ચાની હોટેલ નજીક એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક છાપો મારી પડાણાના જ વતની મુકંદર દાઉદ ગંઢ નામના શખ્સને કોર્ડન કરી ઝડપી લીધો હતો.

ઝડપાયેલા શખ્સની અંગઝડતી લેતાં તેની પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતની દેશી હાથ બનાવટની એક બંદૂક મળી આવી હતી. પોલીસે હથિયાર જપ્ત કરી પૂછપરછ હાથ ધરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપીએ જણાવ્યું હતું કે, તેણે માત્ર પોતાના શોખ ખાતર યુટ્યુબ પર વીડિયો સર્ચ કરીને બંદૂક બનાવવાની રીત શીખી હતી અને ત્યારબાદ જુદા-જુદા સ્પેરપાર્ટ્સ એકઠા કરી જાતે જ આ જીવલેણ હથિયાર એસેમ્બલ કર્યું હતું. 

પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીએ અગાઉ આવાં કોઈ હથિયારો બનાવ્યાં છે કે કેમ તેમજ અન્ય કોઈને વેચ્યાં છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)