Thu Oct 08 2026

Logo

ફિલ્મી વાર્તા જેવો કિસ્સોઃ ઝારખંડ પોલીસ જેનો મૃતદેહ શોધતી હતી એ મહિલા જીવીત નીકળી

2026-09-17 10:03:00
Author: Mumbai Samachar Team
ફિલ્મી વાર્તા જેવો કિસ્સોઃ ઝારખંડ પોલીસ જેનો મૃતદેહ શોધતી હતી એ મહિલા જીવીત નીકળી

સુરતઃ હિન્દી સસ્પેન્સ ફિલ્મની વાર્તા જેવો કિસ્સો હકીકતમાં બન્યો છે. ઝારખંડ-રાંચીની પોલીસ જે વ્યક્તિનો મૃતદેહ શોધતી હતી એ વ્યક્તિ સુરત મહાનગરમાંથી જીવીત મળી આવી છે. ઝારખંડની રાંચી પોલીસે મહિલાની હત્યા બાદ મૃતદેહને સગેવગે કરવાનો ગુનો નોંધ્યો હતો. જેની તપાસ ચાલુ હતી, આ તપાસના તાર સુરત સુધી લંબાયા છે. બે સંતાનની માતા સુરતના સચીન GIDC વિસ્તારમાંથી હયાત અને જીવીત મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ફિલ્મની વાર્તાને પણ ટક્કર મારે એવા કિસ્સાની હકીકત એ છે કે,મહિલાના પિતાએ જ પોલીસ ફરિયાદ કરી હતી.

હત્યાનો ગુનો નોંધાયો હતો
ઝારખંડના રાચીના ખેલારી પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તા.30મી ઓગસ્ટે પોલીસે આ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ફરિયાદી ગોપ ગીરધારી ગોપે પુત્રી વિણીદેવી ઉર્ફે વીણાદેવી સામુ મહંતોની તા.24 ઓગસ્ટે હત્યા કરી મૃતદેહને સગેવગે કર્યાની ફરિયાદ એના જમાઈએ કરી હતી. જમાઈ સામુ બંધુ મહંતો, ભાઈ અનિકેત મહંતો સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસ હત્યાનો ગુનો નોંધીને તપાસ કરી હતી. પણ મૃતદેહ ન મળી આવતા પોલીસ પણ ગુંચવાઈ ગઈ હતી. પણ પોલીસને વિગત મળી હતી કે, વીણાદેવીનો મોબાઈલ ચાલું છે અને તે એક્ટિવ છે.  જેનું લોકેશન સુરતમાં મળી આવ્યું હતું. લોકેશન ટ્રેક કરતા સુરતના સચીન GIDC વિસ્તારમાં તે એક્ટિવ હતું. ઝારખંડની પોલીસે સુરતની સચીન GIDC પોલીસની મદદથી શિવાંજલી સોસાયટીમાં રહેતા રાજુભાઈની ચાલમાં તે રહેતી હોવાનું શોધી કાઢ્યું. 

આ રીતે પકડાઈ મહિલા
આ પછી ઝારખંડની પોલીસને વિગતવાર જાણ કરવામાં આવી અને મહિલા જીવીત હોવાનો પુરાવો મળ્યો હતો. આ પછી સુરત પોલીસે તેને ખેલારી પોલીસને સોંપી હતી. વીણા અને સામુના લગ્ન વર્ષ 20110માં થયા હતા. સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. લગ્ન વખતે દીકરીને કરિયાવર આપ્યું હોવા છતા સાસરિયાવાળા વધારે પૈસા અને અન્ય વસ્તુની માગ કરી રહ્યા હતા. શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા. આમાંથી મહિલા મુક્ત થવા માગતી હતી આ માટે તે સુરત આવીને રહેવા લાગી હતી. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરીને યોગ્ય તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એવી નોંધવામાં આવી હતી કે, ભાઈએ હત્યા કરીને મૃતદેહને સગેવગે કરવા માટે પ્લાનિંગ કર્યું હતું. મહિલા જીવીત મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. આ પ્રકારના કાવતરામાં મહિલા સાથે કોણ હતું અને સાસરિયામાંથી કોણ જવાબદાર છે એની તપાસ કરશે.

આ મામલે પહેલા મહિલાનુ નિવેદન નોંધવામાં આવશે, એ પછી આગળની તપાસ શરૂ થશે. બન્ને રાજ્યોની પોલીસ તપાસ બાદ વધારે સ્પષ્ટતા કરશે. હત્યાના કાવતરા પાછળની હકીકત સામે આવશે. પોલીસ કેસના મૂળ સુધી જવા માટે બારિકીથી કેસની વિગતાવાર તપાસ કરશે.