Mon Apr 27 2026

Logo

આઇપીએલમાં બે દિવસમાં બે ફીલ્ડરની ઘાત ગઈ, ઍન્ગિડી પછી આ ખેલાડીને પણ ઈજા

2026-04-26 22:05:02
Author: Ajay Motiwala
Article Image

PTI


ચેન્નઈઃ ગુરુવારે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સના ચાર પ્લેયર ડૅનિશ માલેવર, નમન ધીર, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની વિકેટ લઈને મુંબઈને પરાજય તરફ દોરી જનાર ચેન્નઈ સુપરકિંગ્સના કૅરિબિયન સ્પિનર અકીલ હોસૈનને રવિવારે ચેન્નઈમાં ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં ચહેરા પર ઈજા થઈ હતી. જોકે એ ઈજા ગંભીર નહોતી અને પછીથી તે રમ્યો હતો.

બે દિવસમાં બે ફીલ્ડરને ઈજા થવાનો બનાવ બન્યો છે. શનિવારે દિલ્હીનો લુન્ગી ઍન્ગિડી પંજાબના બૅટ્સમૅનનો સંભવિત કૅચ ઝીલતી વખતે ઊંધા માથે પટકાયો હતો અને તેને માથાના પાછળના ભાગમાં ઈજા (injury) થઈ હતી. જોકે દિલ્હીની હૉસ્પિટલમાં સારવાર લીધા બાદ તેની હાલત હવે સારી છે.

રવિવારે ચેન્નઈના અકીલ હોસૈનની ઈજાની ઘટના ગુજરાતની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં બની હતી. ગુજરાતના સુકાની શુભમન ગિલે બૉલને ઑફ સાઇડ પર મોકલ્યો હતો અને અકીલ (Akeal) કૅચ ઝીલવાના ઇરાદાથી પોતાની જમણી દિશામાં દોડ્યો હતો. જોકે તે જમીન પર પટકાયો હતો અને તેને ગાલ પર ઈજા થઈ હતી.

અકીલને ઈજા થતાં સૌ કોઈને શનિવારની ઍન્ગિડીની ઈજાવાળી ઘટના યાદ આવી ગઈ હશે. ચેન્નઈના ફિઝિયો તરત જ મેદાન પર દોડી આવ્યા હતા અને અકીલની ઈજા ગંભીર તો નથીને અને તેને માથામાં કોઈ દુખાવો નથી થતોને એવું વિચારીને સારવાર શરૂ કરી હતી.

જોકે સદનસીબે અકીલની ઇન્જરી ગંભીર નહોતી અને તેણે થોડી જ વારમાં ફરી રમવાનું શરૂ કરી દીધું હતું.