Mon Apr 27 2026

Logo

સાઈ સુદર્શન બીજી સદી ચૂક્યો, પણ હવે ગુજરાતને જિતાડ્યું

2026-04-26 19:42:37
Author: Ajay Motiwala
Article Image

PTI


ચેન્નઈઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 20 બૉલ તેમ જ આઠ વિકેટ બાકી રાખીને હરાવી દીધું. ગુજરાત ચોથી જીત બાદ આઠ પૉઇન્ટ સાથે પાંચમા સ્થાને છે, જ્યારે સીએસકે પાંચમી હાર બદલ છઠ્ઠા સ્થાને છે. સાઇ સુદર્શન (87 રન, 46 બૉલ, સાત સિક્સર, ચાર ફોર) આ વખતની બીજી સેન્ચુરી 13 રન માટે ચૂકી ગયો હતો, પણ તેની ધમાકેદાર ઇનિંગ્સ આ વખતે મૅચ-વિનિંગ સાબિત થઈ.

શુક્રવારે સુદર્શન (Sudarshan)ના 100 રન એળે ગયા હતા

શુક્રવારે સુદર્શનના 100 રન પછી પણ બેંગ્લૂરુ સામે ગુજરાતનો પરાજય થયો હતો. જોકે આ વખતે સુદર્શનની ઇનિંગ્સ મૅચ-વિનિંગ સાબિત થઈ. સીએસકેએ સાત વિકેટે 158 રન કર્યા બાદ ગુજરાતે 16.4 ઓવરમાં બે વિકેટના ભોગે 162 રન કર્યા હતા. કૅપ્ટન શુભમન ગિલે 33 રન કર્યા હતા, જ્યારે જૉસ બટલર 39 રને અણનમ રહ્યો હતો. ચેન્નઈના છ બોલરમાંથી માત્ર અકીલ હોસૈન અને નૂર અહમદને એક-એક વિકેટ મળી હતી.

PTI

સુદર્શન-બટલરની 97 રનની ભાગીદારી

સુદર્શન તથા વિકેટકીપર જૉસ બટલર (39 અણનમ, 30 બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 97 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. 17મી ઓવર સીએસકેના લેફ્ટ-આર્મ સ્પિનર અકીલ હોસૈને કરી હતી અને એના એક બૉલમાં સુદર્શનનો ડીપ મિડવિકેટ પર ડેવાલ્ડ બે્રવિસે અફલાતૂન કૅચ ઝીલ્યો હતો અને સુદર્શનની લડાયક ઇનિંગ્સનો અંત આવી ગયો હતો. જોકે તેની વિકેટ પડ્યા બાદ બટલર વૉશિંગ્ટન સુંદર (એક રન અણનમ)ની જોડીએ બાજી સંભાળીને ગુજરાતને વિજય અપાવ્યો હતો.

ગાયકવાડની આ વખતે પ્રથમ હાફ સેન્ચુરી

એ પહેલાં, સીએસકેએ કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (74 અણનમ, 60 બૉલ, ચાર સિક્સર, છ ફોર)ની આ વખતની ટૂર્નામેન્ટની પ્રથમ હાફ સેન્ચુરીની મદદથી સાત વિકેટે 158 રન કર્યા હતા. બીજો કોઈ બૅટ્સમૅન પચીસ રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. ગાયકવાડના આ પહેલાંની સાત મૅચના સ્કોર આ મુજબ હતાઃ 6, 28, 7, 15, 7, 19 અને 22 રન. સીએસકેએ એક તબક્કે માત્ર 37 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ગાયકવાડ અને શિવમ દુબે (બાવીસ રન) વચ્ચે 59 રનની ભાગીદારીએ ટીમની આબરૂ સાચવી હતી અને છેલ્લે ગાયકવાડ ટોટલને દોઢસો રનને પાર લઈ જઈ શક્યો હતો. આ વખતે બે સદી ફટકારનાર સંજુ સૅમસન ફક્ત 11 રન બનાવી શક્યો હતો. ગુજરાતના રબાડાએ ત્રણ તથા અર્શદ ખાને બે વિકેટ લીધી હતી.