Tue Oct 06 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ પાકિસ્તાન સાથે સીમા કરાર: ચીન આપણું દોસ્ત ના બની શકે

2026-09-23 07:25:15
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ પાકિસ્તાન સાથે સીમા કરાર: ચીન આપણું દોસ્ત ના બની શકે

ભરત ભારદ્વાજ

હજુ 10 દાડા પહેલાં જ દિલ્હીમાં બ્રિક્સ સમિટમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે એવી વાતો ચાલેલી કે, હવે ભારત-ચીનના સંબંધો બહુ સારા થઈ જશે ને દુનિયાના સૌથી વધારે વસતી ધરાવતા બે દેશ એક થઈને અમેરિકાની દાદાગીરીનો જવાબ આપશે. દસ દાડામાં તો ચીને પોતાની જાત બતાવી દીધી છે અને પાકિસ્તાન સાથે હાથ મિલાવીને ભારતની મેથી મારવાનાં જૂનાં ધતિંગ પાછાં શરૂ કરી દીધાં છે. 

વાસ્તવમાં બ્રિક્સ સમિટના અઠવાડિયા પછી જ પાકિસ્તાન અને ચીને મળીને પાકિસ્તાન-ચીન સીમા સંયુક્ત કમિશન પર સહી કરીને બંને દેશો વચ્ચેની સરહદ નક્કી કરી નાખી છે. આ સરહદ મારફતે વ્યાપાર કરીને બંને દેશોના આર્થિક સંબંધો મજબૂત બનાવવા માટે પણ સહમતી સાધી દીધી છે.

આ કરાર આપણા માટે આઘાતજનક એ રીતે છે કે તેમાં પાકિસ્તાન અને ચીને ભારતના પચાવી પાડેલા પ્રદેશોને પણ એકબીજાના પ્રદેશો ગણાવીને સત્તાવાર માન્યતા આપી દીધી છે. આ વિસ્તારમાં મુખ્ય શક્સગામ ખીણનો વિસ્તાર પણ છે કે જેને તાસકમાં ધરીને 1963માં પાકિસ્તાને ચીનને સોંપી દીધો હતો. 

લદ્દાખમાં આવેલો લગભગ 5,180 ચોરસ કિલોમીટરનો શક્સગામ ખીણ લદ્દાખનો જ ભાગ છે તેથી આ પ્રદેશ ભારતનો જ છે પણ પાકિસ્તાને 1947માં આ પ્રદેશ પચાવી પાડેલો ને પછી બારોબાર ભેટમાં આપવાના નામે ચીનને પધરાવી દીધો ત્યારથી ચીન શક્સગામ ખીણને પોતાના બાપનો માલ સમજીને ત્યાં ધડાધડ બાંધકામો કરી રહ્યું છે ને લશ્કરી છાવણીઓ પણ બનાવીને બેસી ગયું છે.

આપણી સરકારે આ કમિશન સામે વાંધો ઉઠાવ્યો છે ને તેને ગેરકાયદેસર ગણાવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે પાકિસ્તાન અને ચીન બંને સામે વિરોધ વ્યક્ત કર્યો છે પણ આ વિરોધનો કોઈ મતલબ નથી કેમ કે આપણે વરસોથી કહ્યા કરીએ છીએ કે, શક્સગામ ખીણ અમારો વિસ્તાર છે પણ નથી ચીન આપણી વાત સાંભળતું કે નથી પાકિસ્તાન આપણી વાત સાંંભળતું. અત્યારે પણ એ જ સ્થિતિ છે. 

પાકિસ્તાને તો આપણા વાંધાનો જવાબ પણ આપ્યો જ્યારે ચીને તો જવાબ આપવાની તસદી પણ નથી લીધી. પાકિસ્તાને સાવ નાગાઈ પર ઊતરીને જાહેર કર્યું છે કે, જમ્મુ અને કાશ્મીર વિવાદાસ્પદ પ્રદેશ છે ને શક્સગામ ખીણ કાશ્મીરનો વિસ્તાર છે તેથી ભારતનો આ વિસ્તાર પર કોઈ અધિકાર નથી. આખું જમ્મુ અને કાશ્મીર ભારતથી અલગ થવા માગે છે એવી જૂની રેકર્ડ પણ પાકિસ્તાને વગાડી છે.

પાકિસ્તાન અને ચીને આ કમિશન બનાવ્યું તેનો અર્થ એ થાય કે, શક્સગામ ખીણનો વિસ્તાર આપણા હાથથી સાવ ગયો છે ને આપણે પાછા આ પ્રદેશ મેળવી શકીએ તેની શક્યતા હવે સાવ નહિવત છે. આપણા માટે આ બહુ મોટો ફટકો કહેવાય કેમ કે આપણે આપણો મોટો વિસ્તાર લગભગ ખોઈ દીધો છે પણ તેને માટે હાલની નરેન્દ્ર મોદી સરકારને દોષ દઈ શકાય તેમ નથી કેમ કે મોદી સરકારને ચીન અને પાકિસ્તાન સાથેનો ડખો તો આગળની કૉંગ્રેસ સરકારો પાસેથી વારસામાં મળેલા છે. 

ચીન અને પાકિસ્તાન બંને સામે કૉંગ્રેસી શાસકોએ બતાવેલી બાયલાગીરીના કારણે આપણો મોટો વિસ્તાર હાથથી ગયો. આ બાયલાગીરીના કારણે ચીન અને પાકિસ્તાન બંને ફાટીને ધુમાડે ગયાં ત્યારે તેમની સામે મર્દાનગી બતાવવાની જરૂર હતી પણ બાયલાગીરીનો સિલસિલો ચાલુ રહ્યો તેમાં હવે તો તેમને કશું કરી શકાય એવી સ્થિતિ જ રહી નથી.

અત્યારે જે શક્સગામ ખીણનો મુદ્દો ચર્ચામાં છેતેના પર ચીનનો કબજો થયો તેને માટે પણ કૉંગ્રેસની જવાહરલાલ નહેરૂ સરકારની નામર્દાનગી જ જવાબદાર છે. 1959માં ચીને બહાર પાડેલા નકશામાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારોને પોતાના બતાવેલા ને ભારતના કેટલાક વિસ્તારોને પણ પોતાના બતાવેલા. તેની સામે પાકિસ્તાનના સરમુખત્યાર અય્યુબ  ખાને વાંધો લીધેલો પણ ચીને તેમને ગણકાર્યા નહોતા ને ભારતના વાંધાને પણ ગણકાર્યા નહોતા. એ વખતે ભારત અને ચીનના સંબંધો સારા હતા એ જોતાં ભારત તેનો ફાયદો લઈને ભારતના વિસ્તારોને પાછા લઈ શક્યું હોત પણ નહેરૂએ તિબેટ મુદ્દે ચીન વિરોધી વલણ લીધું તેમાં વાત બગડી ને તેનો ફાયદો પાકિસ્તાને લીધો.  

1960માં પાકિસ્તાને યુનાઈટેડ નેશન્સમાં ચીનની તરફેણમાં મતદાન કર્યું પછી ચીનને હેત ઉભરાયું તેથી ચીને 1963માં પાકિસ્તાનના સરમુખત્યાર અય્યુબખાન સાથે સીમા કરાર કરી નાખ્યા. ચીનની સરકાર સાથે કરેલા કરાર હેઠળ કાશ્મીરમાં પાકિસ્તાન અને ચીન વચ્ચેની સરહદ નક્કી કરાઈ તેમાં આ વિસ્તારમાં ક્યો પ્રદેશ કોનો એ પણ નક્કી કરાયું હતું. 

આ ચીન-પાકિસ્તાન સીમા કરાર હેઠળ શક્સગામ ખીણના વિસ્તારને બથાવીને બેસી ગયું છે. આ કરાર ગેરકાયદેસર છે કેમ કે ચીન અને પાકિસ્તાન બંનેએ પોતાનો અધિકાર જ નથી એવા ભારતના વિસ્તારોની પણ ભાગબટાઈ આ કરાર હેઠળ કરી લીધી છે. જવહારલાલ નહેરૂની સરકારે કરાર સામે વિરોધ કરેલો પણ નહેરૂ પાસે મર્દાના મિજાજ નહોતો તેથી વાંઝણા વિરોધ સિવાય કશું ના કર્યું.

દુનિયામાં બળિયાના બે ભાગ હોય છે. જે લડવા મેદાનમાં ઊતરે તેની સામે સૌ નમે પણ નહેરૂ પાસે એ મિજાજ જ નહોતો તેથી પાકિસ્તાન અને ચીને તેમના વિરોધને ઘોળીને પી જઈને ભારતનો હરામખોરી કરીને પચાવી પાડેલો લગભગ સવા લાખ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર અંદરોઅંદર વહેંચી લીધો. 

તેમાં કાશ્મીરનો 83 હજાર ચોરસ કિલોમીટરનો અને અક્સાઈ ચીનનો લગભગ 40 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવી ગયો. ચીને ભારતના કાશ્મીરના વિસ્તારને પાકિસ્તાનના વિસ્તાર તરીકે માન્યતા આપી તેથી અય્યુબખાને શક્સગામ ખીણ વિસ્તાર તેના બાપનો માલ હોય એ રીતે ચીનને આપી દીધો હતો.

પાકિસ્તાને 1947માં જમ્મુ અને કાશમીરમાં આશરે 83 હજાર ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર ગેરકાયદેસર અને બળજબરીથી કબજો જમાવ્યો હતો. પીઓકે, ગિલગિલ-બાલ્ટિસ્તાન સહિતના  વિસ્તારો બથાવીને બેઠેલા પાકિસ્તાને આ સીમા કરાર હેઠળ,શક્સગામ ખીણની 5180 ચોરસ કિલોમીટર જમીન ચીનને આપી દીધેલી જ્યારે બાકીની જમીન પોતાની પાસે રાખી. ચીનનો અક્સાઈ ચીન પર કબજો હતો ને લટકામાં પાકિસ્તાને વધારાની જમીન આપી તેથી ભારતનો લગભગ 42 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર ચીનના કબજામાં છે.

ભારત કોઈ રીતે આ વિસ્તાર પાછો મેળવી શકે તેમ નથી કેમ કે ચીનને હરાવવાની આપણી તાકાત નથી. પાકિસ્તાન આપણા કરતાં નબળું છે છતાં આપણે તેની પાસેથી પીઓકે અને ગિલગિલ-બાલ્ટિસ્તાન સહિતના  વિસ્તારો પાછા મેળવી શક્યા નથી તો ચીન પાસેથી આપણે આપણો વિસ્તાર પાછો મળવી શકીએ એ તો કહેતા બી દીવાના ઔર સુનતા બી દીવાના જેવી વાત લાગે. પાંચ દાયકા પછીની ખબર નથી પણ નજીકના બે-ત્રણ દાયકામાં તો એ શક્ય લાગતું નથી.