નવી દિલ્હીઃ અહીં ભારત (India) અને અફઘાનિસ્તાન વચ્ચે રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝનો જે પ્રથમ મુકાબલો થશે એમાં અનુભવી ઓપનર અને વિકેટકીપર સંજુ સૅમસનને રમવાનો મોકો મળશે કે ટીનેજ સ્ટાર વૈભવ સૂર્યવંશીને તક મળશે એના પર સૌનું ધ્યાન રહેશે અને જો વિકેટકીપર-બૅટ્સમૅન ઇશાન કિશન પીઠની ઈજાને કારણે નહીં રમે તો સૅમસન અને સૂર્યવંશી, બન્નેને રમવા મળશે એવી શનિવારે ભારતીય ક્રિકેટમાં ચર્ચા હતી. ટૂંકમાં, ઓપનિંગમાં અભિષેક શર્મા સાથે કોણ રમશે એ જોવું રહ્યું.
તાજેતરમાં ઇંગ્લૅન્ડમાં સૅમસનના ભોગે જ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક અપાઈ હતી. સૂર્યવંશી ઇંગ્લૅન્ડના એ પ્રવાસમાં સદંતર નિષ્ફળ રહ્યો હતો, જેમાં તે ત્રણ મૅચમાં અનુક્રમે 14, 13 અને 15 રન બનાવી શક્યો હતો. જોકે ત્યાર બાદ ઝિમ્બાબ્વેના પ્રવાસની ત્રણ ટી-20 મૅચમાં તેણે 50, 20 અને 81 રનની ઇનિંગ્સ સાથે ભારતને 3-0થી સિરીઝ જિતાડી હતી અને સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીત્યો હતો.
વૈભવ (Vaibhav) રેડ બૉલથી રમાયેલી દુલીપ ટ્રોફીની બૅક-ટુ-બૅક ત્રણ મૅચ રમ્યા પછી હવે વાઇટ બૉલથી રમવા આવ્યો છે. પ્રૅક્ટિસમાં તેના કરતાં સૅમસન વધુ સારું રમી રહેલો જોવા મળ્યો હતો.
શ્રેયસ ઐયરના સુકાનમાં ભારતની આ જ ટી-20 ટીમ આ મહિને જાપાનમાં એશિયન ગેમ્સમાં રમવા જવાની છે. અફઘાનિસ્તાન પાસે રાશીદ ખાન, નૂર અહમદ તથા મુજીબ-ઉર-રહમાનના રૂપમાં અવ્વલ કક્ષાનું સ્પિન-આક્રમણ છે અને તેમના પેસ અટૅકમાં ફઝલહક ફારુકી, નવીન-ઉલ-હક તેમ જ ઑલરાન્ડરો ગુલબદિન નઇબ અને અઝમતુલ્લા ઓમરઝાઈ સામેલ છે.
દિલ્હીના મેદાન પર શનિવારે ટ્રોફી સાથે ભારતના કૅપ્ટન શ્રેયસ ઐયર અને અફઘાનિસ્તાનના સુકાની ઇબ્રાહિમ ઝડ્રાને પોઝ આપ્યો હતો.
PTI
બન્ને દેશની સ્ક્વૉડઃ
ભારતઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), તિલક વર્મા (વાઇસ કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી.
અફઘાનિસ્તાનઃ ઇબ્રાહિમ ઝડ્રાન (કૅપ્ટન), દાર્વિશ રસૂલી, નૂર-અલ-રહમાન, રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદિકુલ્લા અટલ, અઝમતુલ્લા ઓમરઝાઇ, રાશીદ ખાન, મોહમ્મદ નબી, ગુલબદીન નઇબ, નૅન્ગેલિયા ખારોટે, અબ્દુલ્લા અમહદઝાઇ, ફઝલહક ફારુકી, નવીન-ઉલ-હક, મુજીબ-ઉર-રહમાન અને નૂર અહમદ.