Thu Apr 23 2026

Logo

ફેશન: સ્ટાઇલ યોર ઓવરસાઈઝ શર્ટ

2026-04-23 08:58:00
Author: Khushbu Mulani Thakkar
Article Image

- ખુશ્બુ મુલાણી ઠક્કર

 

ઓવરસાઇઝ શર્ટ આજના સમયમાં ફેશનનો એક મજબૂત ટ્રેન્ડ બની ગયો છે. આરામદાયક અને સ્ટાઇલિશ લુક આપતું આ વસ્ત્ર દરેક ઉંમરની મહિલાઓ અને યુવતીઓમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. ખાસ કરીને અલગ-અલગ નેક પેટર્ન અને રંગોના કોમ્બિનેશનથી  ઓવરસાઇઝ શર્ટને નવી ઓળખ મળી છે. ઓવરસાઈઝ શર્ટ સાથે એક સ્માર્ટ ફિટિંગવાળા ટ્રાઉઝરની જરૂર છે. તો ચાલો જાણીયે કે કેવી રીતે અલગ નેક ડિઝાઇન, રંગો અને ટ્રાઉઝર સાથેનું કોમ્બિનેશન તમારા લુકને વધુ આકર્ષક કઈ  રીતે બનાવી શકે છે.

 

ઓવરસાઇઝ શર્ટનો મુખ્ય ફાયદો એ છે કે તે કમ્ફર્ટ સાથે સ્ટાઇલ આપે છે. લૂઝ ફિટિંગ હોવાને કારણે તે દિવસભર પહેરવા માટે અનુકૂળ છે. આજકાલ બજારમાં વિવિધ નેક પેટર્ન ઉપલબ્ધ છે, જેમ કે ચાઇનીઝ કોલર (Chinese Collar), ક્લોઝ નેક, V-નેક, અને ક્લાસિક શર્ટ કોલર. દરેક નેક પેટર્ન તમારા લુકને અલગ રીતે રજૂ કરે છે. તમારી બોડી અને હાઈટ અનુસાર તમે શર્ટના કોલરની પસંદગી કરી શકો.

 

ચાઇનીઝ કોલર શર્ટ સિમ્પલ અને સોફિસ્ટિકેટેડ દેખાવ આપે છે. ઓફિસ વેર માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. તેને સ્ટ્રેઇટ ફિટ ટ્રાઉઝર અથવા સ્લિમ પેન્ટ સાથે પહેરવાથી એલેગન્ટ લુક મળે છે. જો તમે થોડું ફ્યુઝન લુક ઈચ્છો છો તો ચાઇનીઝ કોલર શર્ટને કોટન કે લિનેન ટ્રાઉઝર સાથે ટીમ અપ કરી શકો છો. જો તમારું શરીર ભરેલું હોય અને તમારા શોલ્ડર અને નેકનો ભાગ ભરેલો હશે તો તમે ચાઈનીઝ કોલરવાળા આ શર્ટ ન પહેરતા. જે યુવતી કે મહિલાઓની લાંબી ડોક હોય તેમને જ ચાઇનીઝ કોલર પહેરવા જોઈએ. પાતળી યુવતીઓ ચાઈનીઝ કોલરવાળા શર્ટ લુઝ ટ્રાઉઝર સાથે પહેરી શકે.

 

ક્લોઝ નેક શર્ટ એટલે કે જે શર્ટની નેકલાઇન ગળું ચાલુ થાય ત્યાંથી જ ચાલુ થાય. ક્લોઝ  નેક શર્ટ પહેર્યા પછી વધુ ફોર્મલ અને ક્લાસી દેખાય છે. આ પ્રકારના શર્ટ સામાન્ય રીતે સોલિડ રંગોમાં વધારે સુંદર લાગે છે, જેમ કે વ્હાઇટ, બ્લેક, બેજ અથવા પેસ્ટલ શેડ્સ. ક્લોઝ નેક ઓવરસાઇઝ શર્ટને હાઇ-વેસ્ટ ટ્રાઉઝર સાથે પહેરવાથી તમારા લુકમાં ગ્લેમરસ ટચ આવે છે. સાથે બેલ્ટ ઉમેરવાથી કમરનો આકાર વધુ હાઇલાઇટ થાય છે. જો તમારું શરીર ભરેલું હોય તો ક્લોઝ નેક શર્ટ સાથે હાઈ વેસ્ટ ટ્રાઉઝર પહેરી શકાય. હાઈ  વેસ્ટ ટ્રાઉઝર ખાસ કરીને સ્ટ્રેચેબલ ફેબ્રિકમાં રાખવું જેથી કરી કમર અને પેટનો ભાગ થોડો ઓછો લાગે.

 

રંગોની વાત કરીએ તો ઓવરસાઇઝ શર્ટમાં પેસ્ટલ કલર્સ ખૂબ ટ્રેન્ડમાં છે  જેમ કે બેબી પિંક, લાઇટ બ્લૂ, મિન્ટ ગ્રીન અને લવેન્ડર. આ રંગો સોફ્ટ અને ફ્રેશ લુક આપે છે. બીજી તરફ, બોલ્ડ કલર્સ જેમ કે રેડ, નેવી બ્લૂ અથવા ઓલિવ ગ્રીન સ્ટેટમેન્ટ લુક માટે ઉત્તમ છે. જો તમે ડે આઉટ માટે તૈયાર થઈ રહ્યા હો તો પ્રિન્ટેડ અથવા સ્ટ્રાઇપ્ડ ઓવરસાઇઝ શર્ટ પણ પસંદ કરી શકો છો. ઓવરસાઈઝ શર્ટમાં પ્લેન કલર તો સારા લાગે જ છે, પરંતુ પ્રિન્ટેડ પણ એટલા જ સારા લાગે છે. પ્રિન્ટની પસંદગી તમારી બોડી અને હાઈટ વાઇસ કરી શકાય. જો તમારી બોડી વધારે હોય તો, તમે ઓવરસાઈઝ શર્ટમાં ઝીણી  પ્રિન્ટ પસંદ કરી શકો અને જો તમારું શરીર સુડોળ હોય તો તમે બોલ્ડ કલરવાળી બોલ્ડ પ્રિન્ટ પહેરી શકો.

 

ઓવરસાઇઝ શર્ટને ટ્રાઉઝર સાથે કેવી રીતે સ્ટાઇલ કરવું તે ખૂબ મહત્ત્વનું છે. જો તમારું શર્ટ ખૂબ લૂઝ હોય તો તેને બેલેન્સ કરવા માટે બોટમમાં ફિટેડ ટ્રાઉઝર પસંદ કરો. સ્લિમ ફિટ પેન્ટ, સિગારેટ પેન્ટ અથવા ટેઈપરડ ટ્રાઉઝર આ માટે પરફેક્ટ છે. જો તમે વધુ કેઝ્યુઅલ લુક ઈચ્છો છો તો વાઇડ-લેગ ટ્રાઉઝર સાથે પણ ઓવરસાઇઝ શર્ટ ખૂબ જ ટ્રેન્ડી લાગે છે. જો તમને વધારે ફન્કી લુક જોઈતો હોય તો, તમે લુઝ ટ્રાઉઝર , સ્પેગેટી પહેરી અને શર્ટના બટન ખુલ્લા રાખી શકાય.

 

ટક-ઇન અને હાફ ટક સ્ટાઇલ પણ ખૂબ લોકપ્રિય છે. શર્ટને પૂરેપૂરું ટક-ઇન કરવાથી ક્લીન અને પોલિશ્ડ લુક મળે છે, જ્યારે હાફ ટક સ્ટાઇલ વધુ કેઝ્યુઅલ અને કૂલ લાગે છે. સાથે સ્નીકર્સ, લોફર્સ અથવા હીલ્સ ઉમેરવાથી તમારો લુક વધુ સ્ટાઇલિશ બની શકે છે.

 

એક બીજી ખાસ બાબત એ છે કે એક્સેસરીઝનો યોગ્ય ઉપયોગ. મિનિમલ જ્વેલરી, જેમ કે નાના ઇયરિંગ્સ અથવા સ્ટાઇલિશ વોચ, તમારા ઓવરઓલ લુકને વધારે આકર્ષક બનાવે છે. બેગ અને ફૂટવેર પણ તમારા ડ્રેસિંગનો મહત્ત્વનો ભાગ છે.

 

આ રીતે, ઓવરસાઇઝ શર્ટ માત્ર આરામદાયક જ નથી પરંતુ યોગ્ય સ્ટાઇલિંગથી તે ખૂબ જ ફેશનેબલ પણ બની શકે છે. અલગ-અલગ નેક પેટર્ન, રંગો અને ટ્રાઉઝર સાથેના કોમ્બિનેશન દ્વારા તમે તમારા લુકને નવી ઓળખ આપી શકો છો. તેથી, તમારા વોર્ડરોબમાં ઓવરસાઇઝ શર્ટને ખાસ સ્થાન આપો અને રોજિંદા સ્ટાઇલને નવો ટ્વિસ્ટ આપો.