Mon Oct 05 2026

Logo

ગોંદિયામાં બોલેરો અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત: 3 વર્ષના બાળક સહિત 6 શ્રમિકનાં મોત

2026-09-08 14:50:00
Author: Mumbai Samachar Team
ગોંદિયામાં બોલેરો અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત: 3 વર્ષના બાળક સહિત 6 શ્રમિકનાં મોત

ગોંદિયા: મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને જોડતા ગોંદિયા-બાલાઘાટ સ્ટેટ હાઈ-વે પર એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. ગોંદિયા ગ્રામીણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગ્રામ નાગરા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે શ્રમિકોથી ભરેલી બોલેરોને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક ટક્કરમાં બોલેરો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે જ 3 વર્ષના માસૂમ બાળક સહિત 6 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

રોજીરોટીની શોધમાં શ્રમિકો બન્યા કાળનો કોળિયો 
પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના કિરણાપુર અને લાંજી તાલુકા વિસ્તારમાં અલગ અલગ ગામોથી મજૂરો પોતાના પરિવાર સહિત મજૂરીના કામ માટે બોલેરો કારમાં બેસી તેલંગાણા માટે નીકળ્યા હતા. રાત્રે આશરે 11.30 વાગ્યે ગોંદિયા શહેરથી લગભગ 5 કિલોમીટર દૂર નાગરા નજીક પહોંચી, ત્યાં જ વિરુદ્ધ દિશામાંથી પુરપાટ ઝડપે આવતી ટ્રકે બોલરોને ટક્કર મારી દીધી હતી. 

ગેસ કટરથી મૃતદેહોને બહાર કાઢવાં આવ્યા 
આ દુર્ઘટનામાં ટક્કરનો અવાજ સાંભળતા જ આસપાસના ગ્રામીણો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરો કાર કાટમાળમા ફેરવાઈ હતી. આ સાથે જ કેટલાય મૃતદેહો અને ઈજાગ્રસ્ત લોકો કારના કાટમાળમાં દબાઈ ગયા હતા. દુર્ઘટના બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં છ લોકોને મૃત જાહેર કરવામા આવ્યા હતા. મૃતદેહોને ગેસ કટરથી બહાર કાઢવામાં આવ્યા હતા. 

આ ભયાનક દુર્ઘટનાને લઈને એક સ્થાનિકના નિવેદનના આધારે ગોંદિયા ગ્રામીણ પોલીસે ટ્રક ચાલક મોહસીન ખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 106(1), 125(એ), 125(બી) અને મોટર વ્હિકલ એક્ટની કલમ 184 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ નિરીક્ષકના માર્ગદર્શનમાં આ સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.