Mon Oct 05 2026

Logo

હેલ્થને હેમખેમ રાખોઃ નાની બીમારી પજવે ત્યારે તંદુરસ્તી રાખો તમારા હાથમાં

2026-09-22 08:51:00
Author: Mita Bawisi
હેલ્થને હેમખેમ રાખોઃ નાની બીમારી પજવે ત્યારે તંદુરસ્તી રાખો તમારા હાથમાં

મિતા બાવીસી

સ્ત્રી રોગ
- ખજૂર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મૂર્છા આવતી હોય તેવી સ્ત્રીઓનો હિસ્ટીરિયા મટે છે.
- લસણને પીસીને નાકથી સુંઘવાથી હિસ્ટીરિયાની મૂર્છા મટે છે.
- પાકાં કેળાં, આમળાંનો રસ ને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમૂત્ર રોગ મટે છે.
- જીરા અને સાકરનું ચૂર્ણ પાવલીભાર ચોખાના ધોવાણમાં પીવાથી સ્ત્રીઓનું શ્ર્વેતપ્રદર મટે છે.
- એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે.
- હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે, માસિક સાફ આવે છે અને પેટનો દુખાવો મટે છે.
- આમળાંનો રસ મધ સાથે લેવાથી સ્ત્રીઓની યોનીનો દાહ મટે છે.

- સ્ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા. એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું. પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી પીવાથી માસિક સાફ આવે છે.

- કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુખાવો થતો નથી.
- માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.

- ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાતે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો. સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલો મેથીનો લોટ નાખી એકરસ કરી ઉતારી લેવું. પછી તેમાં બે તોલા ગોળ નાખી બરાબર મિક્સ કરી પ્રસૂતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છૂટથી આવે છે.

- જીરાની ફાકી મારવાથી સ્ત્રીનું ધાવણ વધે છે.
- ઘીમાં શેકેલી હિંગ ઘી સાથે ખાવાથી સુવાવડી સ્ત્રીને આવતાં ચક્કર ને શૂળ મટે છે.
- સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ધાવણ સારું આવે છે, કમર દુખતી નથી અને ખાધેલું પાચન થાય છે.
- તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્તસ્ત્રાવ મટે છે.

- સુવાવડી સ્ત્રીને ભૂખ ન લાગતી હોય તો 01 ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુંનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે.
- સુવાવડમાં તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુખાવો મટે છે.

- ઊલટી, ઊબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.
- લવિંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી મટે છે.
- નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ઊબકા અને ઊલટી મટે છે.

- હિંગની ધુમાડી પ્રસવ સમયે જનન અવયવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે.
- તલ, જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા અને સુવાવડી સ્ત્રીઓનો રક્તસ્ત્રાવ બંધ થાય છે.
- સુવાવડી સ્ત્રીને ક્યારેક ધાવણનો વેગ ચઢી જતાં, કોઈ વાર સ્તનનો સોજો આવે છે અને વેદના થાય છે. તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છૂટું પડી જાય છે અને સોજો ઊતરી જાય છે ને પીડા મટે છે.   (ક્રમશ:)