અમદાવાદઃ આજે સવારથી જ રાજ્યમાં મેઘરાજાએ ફરી જમાવટ કરી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 6 થી 8 ના સમયગાળામાં રાજ્યમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મેઘરજ અને મોડાસામાં બે કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ
સવારે 6 થી 8ના બે કલાકના સમયગાળામાં બે તાલુકામાં બે ઇંચથી વધારે, 12 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. 91 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ 2.56 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અરવલ્લીના મોડાસામાં 2.09 ઇંચ વરસાદ પડ્યો હતો.
મોરબીના વાંકાનેરમાં 1.97 ઇંચ, મહીસાગરના ખાનપુરમાં 1.93 ઇંચ, સાબરકાંઠાના તલોદમાં 1.89 ઇંચ, મહેસાણાના ખેરાલુમાં 1.5 ઇંચ, ગાંધીનગરના માણસામાં 1.5 ઇંચ, મોરબીના ટંકારામાં 1.5 ઇંજ, મહેસાણામાં 1.38 ઇંચ, સાબરકાંઠાના વડાલીમાં 1.26 ઇંચ, મહેસાણાના વિજાપુરમાં 1.18 ઇંચ, ગાંધીનગરના કલોલમાં 1.18 ઇંચ, મહેસાણાના જોટાણામાં 1.06, મહેસાણાના વડનગરમાં 0.98 ઇંચ, મહેસાણાના વિજાપુરમાં 0.94 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં સિઝનનો કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ 85.79 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 57.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.64 ટકા, પૂર્વ મધ્યમાં 85.76 ટકા, સૌરાષ્ટ્રમાં 66.61 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 112.63 ટકા વરસાદ પડ્યો છે.
અંબાલાલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ મુજબ, પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં રહેલી લો-પ્રેશર સિસ્ટમ વળાંક લઈને સૌરાષ્ટ્રના ભાગો તરફ આગળ વધવાની શક્યતા છે. જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત જામનગરના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.સૌરાષ્ટ્રમાં 3 ઇંચથી વધુ વરસાદની શક્યતા: અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સિસ્ટમ જામનગર તરફ થઈને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં આગળ વધે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદથી લઈને 3 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉપરના લેવલના અપર એર સર્ક્યુલેશનની અસરને કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 19થી 20 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયો વરસાદ પડી શકે છે.