અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવા મહિનાની શરૂઆતથી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદની ખેંચ હતી ત્યાં પણ આ રાઉન્ડમાં વરસાદ વરસતાં ધરતીપુત્રો ખુશ થઈ ગયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મોરબીના માળિયામાં 5 ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું હતું.
ક્યાં કેટલો વરસાદ
આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક તાલુકામાં 5 ઇચથી વધારે, બે તાલુકમાં 3 ઇંચથી વધારે, નવ તાલુકામાં 2 ઇંચથી વધારે, 13 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. 125 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.
મોરબીના માળિયામાં સૌથી વધુ 5.16 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે પાણી પાણી થઈ ગયું હતું. બનાસકાંઠાના દાંતામાં 3.58 ઇંચ, પાટણના શંખેશ્વરમાં 3.35 ઇંચ, દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 2.80 ઇંચ, મહેસાણાના બેચરાજીમાં 2.56 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 2.48 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 2.28 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં 2.28 ઇંચ, ગાંધીનગરમાં દહેગામમાં 2.28 ઇંચ, બનાસકાંઠના પાલનપુરમાં 2.13 ઇંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.09 ઇંચ વરસાદ પડ્યો હતો.
અરવલ્લીના શામળાજીમાં 1.57 ઇંચ, મોરબીના વાંકાનેરમાં 1.46 ઇંચ, અમદાવાદના દસ્ક્રોઈમાં 1.46 ઇંચ, અરવલ્લીના ભીલોડામાં 1.26 ઇંચ, પાટણના સાંતલપુરમાં 1.26 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.22 ઇંચ, બનાસકાંઠાના કાંકરેજમાં 1.14 ઇંચ, બનાસકાંઠાના ડીસામાં 1.14 ઇંચ, વાવ-થરાદના સુઈગામમાં 1.14 ઇંચ, અરવલ્લીના બાયડમાં 1.10 ઇંચ, સાબરકાંઠાના પોશીનામાં 1.10 ઇંચ, વાવ-થરાદના ભાભરમાં 1.02 ઇંચ વરસાદ પડ્યો હતો.
આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં સિઝનનો કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ 85.79 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 57.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.64 ટકા, પૂર્વ મધ્યમાં 85.76 ટકા, સૌરાષ્ટ્રમાં 66.61 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 112.63 ટકા વરસાદ પડ્યો છે.
અંબાલાલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ મુજબ, પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં રહેલી લો-પ્રેશર સિસ્ટમ વળાંક લઈને સૌરાષ્ટ્રના ભાગો તરફ આગળ વધવાની શક્યતા છે. જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત જામનગરના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.સૌરાષ્ટ્રમાં 3 ઇંચથી વધુ વરસાદની શક્યતા: અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સિસ્ટમ જામનગર તરફ થઈને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં આગળ વધે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદથી લઈને 3 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉપરના લેવલના અપર એર સર્ક્યુલેશનની અસરને કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 19થી 20 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયો વરસાદ પડી શકે છે.