Thu Oct 08 2026

Logo

રાજ્યમાં કુલ 72 તાલુકાઓમાં મેઘમહેર; ઓખામંડળમાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ નોંધાયો, હજી સાત દિવસ રહેશે ભારે

2026-09-17 21:35:56
Author: Vimal Prajapati
રાજ્યમાં કુલ 72 તાલુકાઓમાં મેઘમહેર; ઓખામંડળમાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ નોંધાયો, હજી સાત દિવસ રહેશે ભારે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણીઓ છવાઈ છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે તારીખ 17 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકામાં સૌથી ઓછો 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે. 

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં 1.3 ઇંચ નોંધાયો

આંકડાની વધારે વિગતે વાત કરવામાં આવે તો, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં 1.3 ઇંચ, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 1.22 ઇંચ, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં 1.18 ઇંચ, વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકામાં 0.67 ઇંચ, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં 0.55 ઇંચ, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં 0.51 ઇંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં અને પંચમહાલ જિલ્લા  શહેરા તાલુકામાં 0.47 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યામાં આગામી 7 દિવસ વરસાદની આગાહી 

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થશે. ખાસ કરીને તારીખ 18 સપ્ટેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ યથાવત હોવાથી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.  

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો

આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 9 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જો કે, આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો છે. આ સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં 112 ટકા સાથે સૌથી વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી ઓછો 56.46 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 63 ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 85 ટકા વરસાદ અને સૌરાષ્ટ્રમાં મોસમનો 65 ટકા વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણીઓ છવાઈ છે.