Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લઇને તૈયારીઓ, ભારે પોલીસ  બંદોબસ્ત ગોઠવાશે

2026-09-11 22:23:45
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લઇને તૈયારીઓ, ભારે પોલીસ  બંદોબસ્ત ગોઠવાશે

થાનગઢ: ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા પવિત્ર ત્રિનેત્રેશ્વર મહાદેવના આંગણે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ 'તરણેતરના મેળા માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે.તેમજ 14 સપ્ટેમ્બરથી યોજાનારા ભાતીગળ મેળામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મેળા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 2500 થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવશે.  

પ્રવાસીઓની સુરક્ષા માટે 2,500 થી વધુ પોલીસ જવાનો તૈનાત

આ અંગે મળતી માહિતી મુજબ  રાજકોટ રેન્જ આઈજી નિર્લપ્ત  રાયે આજે  મેળા  સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા માટે 2,500 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત સુરક્ષા જવાનોને બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે. 

રાઈડ્સ પાસે CCTV કેમેરા લગાવવા કડક આદેશ

આ ઉપરાંત મેળામાં ચગડોળ અને રાઈડ્સ ચલાવતા તમામ સંચાલકોને પણ પોતાની રાઈડ્સ પાસે CCTV કેમેરા લગાવવા કડક આદેશ આપવામાં આવ્યો છે.

તરણેતરના મેળાનો ઇતિહાસ અંદાજે  250 વર્ષ જૂનો 

તરણેતરના મેળાનો ઇતિહાસ અંદાજે  250 વર્ષ જૂનો હોવાનું મનાય છે. જૂનું મંદિર ખંડેર થયા પછી 19મી સદીમાં વડોદરાના ગાયકવાડ શાસકો દ્વારા નવું મંદિર બનાવવામાં આવ્યું હતું.

લોકવાયકા મુજબ આ પાંચાળ ભૂમિ 

તેમજ  લોકવાયકા મુજબ આ પાંચાળ ભૂમિ છે અને મહાભારત કાળમાં અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું. પૌરાણિક માન્યતા મુજબ  મંદિરે આવેલા કુંડમાં પાંચ ૠષિઓએ ગંગાજીનું પ્રાગટ્ય કરાવ્યું હતું તેવું પણ માનવામાં આવે છે. 

યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદ કરવાનું કેન્દ્ર

તેમજ હાલમાં અહીંના ત્રિનેત્રેશ્વર મહાદેવના ધામમાં યોજાતો આ મેળો મુખ્યત્વે આદિવાસી યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદ કરવાનું કેન્દ્ર રહ્યો છે. આ મેળામાં ઝાલાવાડની રબારી મહિલાઓ દ્વારા પ્રખ્યાત 'રાહડો' અને 200 થી વધુ સ્ત્રીઓ દ્વારા એકસાથે એક વર્તુળમાં કરાતો રાસ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બને છે.