Thu Oct 08 2026

Logo

ગુજરાતમાં 53 કરોડ રૂપિયાનું આંતરરાજ્ય સાયબર ફ્રોડ પકડાયું, દસની ધરપકડ

2026-05-05 20:19:19
Author: Pooja Shah
ગુજરાતમાં 53 કરોડ રૂપિયાનું આંતરરાજ્ય સાયબર ફ્રોડ પકડાયું, દસની ધરપકડ

અમદાવાદઃ ગાંધીનગર પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે તેમણે ૫૩ કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડ રેકેટના સંબંધમાં ગુજરાતના ૧૦ જણની ધરપકડ કરી હતી. ગાંધીનગર સ્થિતિ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 

ધરપકડ કરાયેલા એક આણંદના રહેવાસી આરોપી સાહિલમિયા શબ્બીરમિયા મલેકે, પેટલાદ શહેરના સલમાન વોહરાનું કર્ણાટક બેંક ખાતાની વિગતો પૂરી પાડી હતી. સલમાન વોહરા મુંબઈના એનસીપી નેતા બાબા સિદ્દીકીના હત્યાનો આરોપી હોવાનું પણ જાણવા મળ્યું છે.  

ટેકનિકલ દેખરેખના આધારે, ટીમે ૧૦ મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી જેઓ સાયબર ગુનાઓ દ્વારા મેળવેલા નાણાંનું મેનેજમેન્ટ કરીને કમિશન પર કામ કરતા હતા. તપાસ દરમિયાન  એવું જાણવા મળ્યું હતું કે ફ્રોડમાં લગભગ 20 રાજ્યના ૫૩.૫૫ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં ૧૩૨ સાયબર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 11 મોબાઇલ ફોન, ચેક બુક, પાસબુક અને ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મોબાઇલ ફોનને ચેક કરતા  197 બેંક ખાતાઓની વિગતો મળી આવી હતી, જેમાંથી 60 સીધા 132 સાયબર ક્રાઇમ કેસ સાથે જોડાયેલા હતા, પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. 

આ ગુનો ઓછામાં ઓછા 20 રાજ્યોમાં ફેલાયેલા છે, જેમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં (22) નોંધાયા છે, ત્યારબાદ કર્ણાટક (14), મહારાષ્ટ્ર (13), ઉત્તર પ્રદેશ અને કેરળ (10-10) છે, પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.