Thu Oct 08 2026

Logo

નાના પાટેકરના નિધન બાદ ફરી સવાલ, હાર્ટ એટેક કેમ બની રહ્યો છે ઘાતક, વર્ષે કેટલા લોકો બને છે ભોગ?

2026-10-08 15:59:36
Author: Mumbai Samachar Team
નાના પાટેકરના નિધન બાદ ફરી સવાલ, હાર્ટ એટેક કેમ બની રહ્યો છે ઘાતક, વર્ષે કેટલા લોકો બને છે ભોગ?

મુંબઈ: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના 75 વર્ષની વયે નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. ગુરુવારે સવારે લગભગ 4:20 વાગ્યે તેમને ગોવાના મણિપાલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે સમયે તેઓ બેભાન હતા. હોસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું કે તેમને સીપીઆર આપીને તેમને બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ સફળતા મળી નહોતી. સવારે લગભગ 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ ફરી એકવાર સવાલ ઉઠ્યો છે કે હાર્ટ એટેક અંગે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે, જ્યારે દેશભરમાં કેટલા લોકો વર્ષે મોતને ભેટે છે એ વાત પણ કરીએ. સૌથી મહત્ત્વની બાબત દેશમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં સિનિયર સિટીઝન સહિત યુવાનોની સાથે બાળકો પણ ભોગ બની રહ્યા છે. હાર્ટ એટેક પછી વ્યક્તિની સ્થિતિ કેટલી ગંભીર બની શકે છે અને જીવલેણ પણ બની શકે છે.

ભારતમાં કેટલા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે?

ભારતમાં હૃદયરોગ હવે માત્ર વૃદ્ધોની બીમારી રહી નથી. ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ (જીબીડી) 2021ના આંકડા અનુસાર, ભારતમાં દર વર્ષે હૃદયરોગના કારણે આશરે 28.6 લાખ લોકોનાં મોત થાય છે, એટલે કે સરેરાશ દરરોજ લગભગ 7,800 મોત થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની એસટીઈએમઆઈની ગાઈડલાઈન મુજબ, દેશમાં થતી આશરે 28.1% મોત કાર્ડિયોવસ્ક્યુલર બીમારીઓ સાથે જોડાયેલી છે. તેમાં કોરોનરી હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકનો હિસ્સો લગભગ 80 ટકા છે. 

હાર્ટ એટેક પછી સમયનું કેટલું મહત્ત્વ હોય છે

હાર્ટ એટેકમાં પહેલો કલાક સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક અભ્યાસમાં હોસ્પિટલ પહોંચતા પહેલાં થયેલા હાર્ટ એટેક સંબંધિત મોતનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં 45.2% મોત લક્ષણો શરૂ થયાના પહેલા જ કલાકમાં થઈ હતી. તેમાં 28.9 ટકા લોકોના મોત અચાનક અથવા તાત્કાલિક થયા હતા. ત્યાર બાદના 23 કલાકમાં 41.8% મોત અને 24 કલાક પછી 10.7% મોત નોંધાયા હતા. તેનો અર્થ એવો નથી કે દરેક 100 હાર્ટ એટેક દર્દીઓમાંથી 45 લોકો પહેલા કલાકમાં મૃત્યુ પામે છે; આ આંકડા અભ્યાસમાં નોંધાયેલા મૃત્યુ ક્યારે થયા તે દર્શાવે છે. 

મહિલાઓ પુરુષોથી વધુ સમય કરે છે સર્વાઈવ?

હાર્ટ એટેક બાદ મહિલાઓ પુરુષો કરતાં વધુ સમય જીવે છે એવી વાતને પણ સંદર્ભ સાથે સમજવી જરૂરી છે. 1968ના એક જૂના અભ્યાસમાં 998 દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં કોરોનરી આર્ટરી ડિસીઝથી મૃત્યુ પામેલા પુરુષોમાં મૃત્યુ સુધીનો સરેરાશ સમય 3 કલાક 30 મિનિટ, જ્યારે મહિલાઓમાં 6 કલાક 18 મિનિટ હતો. 15 મિનિટની અંદર 27% પુરુષો અને 22% મહિલાઓનાં મોત થયા હતા. જોકે, આ અભ્યાસ લગભગ 58 વર્ષ જૂનો છે અને તેમાં માત્ર મૃત્યુ પામેલા દર્દીઓનો સમાવેશ થયો હતો. 

બીજી તરફ, 41,832 ભારતીય હાર્ટ એટેક દર્દીઓના અભ્યાસમાં હોસ્પિટલમાં મહિલાઓનો મૃત્યુદર 7.07%, જ્યારે પુરુષોનો 4.07% હતો. મહિલાઓને પીસીઆઈ (કોરોનરી એન્જિયોપ્લાસ્ટી) અને થ્રોમ્બોલિસિસ જેવા જરૂરી સારવાર વિકલ્પો પણ પુરુષોની સરખામણીમાં ઓછા મળ્યા હતા.

60 થી ઓછા અને 60 થી વધારે વયમાં શું તફાવત?

વય વધે તેમ હાર્ટ એટેકનું જોખમ અને તેની ગંભીરતા પણ વધી શકે છે. ભારતીય અભ્યાસમાં હાર્ટ એટેકનો ભોગ બનેલી મહિલાઓની સરેરાશ ઉંમર 61.2 વર્ષ, જ્યારે પુરુષોની 57.3 વર્ષ હતી. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્દીઓમાં મહિલાઓની ભાગીદારી 51.9% અને પુરુષોની 38.9% હતી. જોકે, 60 વર્ષની ઉંમરને જોખમની ચોક્કસ સીમા માનવી યોગ્ય નથી. અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઓછી ઉંમરની મહિલાઓમાં હાર્ટ એટેક બાદ 30 દિવસમાં મૃત્યુનું જોખમ સમાન ઉંમરના પુરુષો કરતાં વધુ હતું. ઉંમર વધવાની સાથે આ અંતર ઘટતું ગયું અને 75 વર્ષથી વધુ ઉંમરે તે મહત્વપૂર્ણ રહ્યું નહોતું.

ભારતમાં હાર્ટ એટેકથી વધારે લોકો મૃત્યુ કેમ પામે છે? 

ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુનું મોટું કારણ સારવારમાં થતો વિલંબ છે. ઘણા લોકો છાતીમાં દુખાવાને ગેસ, એસિડિટી અથવા થાક સમજીને ઘરે જ રાહ જોતા રહે છે. હોસ્પિટલ પહોંચવામાં થતો વિલંબ તેમજ એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં દર્દીને ખસેડવામાં લાગતો સમય પણ જોખમ વધારી શકે છે. 

ભારતમાં ઘણા દર્દીઓને પહેલું ઈસીજી કરાવવા સુધી પહોંચવામાં જ કલાકો લાગી જાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગંભીર હાર્ટ એટેકમાં શરૂઆતના 90 મિનિટની અંદર બ્લડ ફ્લો પુનઃસ્થાપિત કરવો અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે જેટલો સમય હૃદયની નસમાં રક્તપ્રવાહ બંધ રહેશે, તેટલું હૃદયની મસલને નુકસાન થશે.