અમદાવાદઃ ગુજરાતમાં પર્યટન ક્ષેત્રમાં ઘણો વિકાસ થઈ રહ્યો છે. રાજ્ય સરકાર પણ રાજ્યમાં પર્યટનને વિકસાવવા પર વિશેષ ભાર આપે છે, તેમ છતાં દેશભરમાં ગુજરાત વિદેશી પર્યટકોને આકર્ષવામાં પાંચમા સ્થાને હોવાનું કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે. વર્ષ 2025માં રાજ્યમાં 23 લાખ જેટલા વિદેશી પર્યટક આવ્યા હતા.
દેશભરમાં પહેલા સ્થાને રામ અને ક્રિષ્ણની નગરી ઉત્તર પ્રદેશ છે. અહીં 45.1 લાખ વિદેશી પર્યટક એક વર્ષમાં આવ્યા હતા. ત્યારબાદ બીજા ક્રમાંકે આંતરરાષ્ટ્રીય શહેર મુંબઈ ધરાવતું મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશથી સાવ જ નજીવા માર્જિનથી પાછળ છે. વર્ષ 2025માં મહારાષ્ટ્રની મુલાકાતે 45 લાખ વિદેશી પર્યટકો આવ્યા હતા એટલે કે ઉત્તર પ્રદેશથી માત્ર 1,000 પર્યટક ઓછા હતા. ત્રીજા ક્રમાંકે ચાર લાખ પ્રવાસી સાથે પશ્ચિમ બંગાળ અને ચોથા ક્રમાંકે દેશની રાજધાની દિલ્હી (24.3 લાખ) રહ્યું હતું. ગુજરાત 23.4 લાખ પ્રવાસી સાથે પાંચમા ક્રમાંકે આવ્યું હતું.
રાજ્યમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં નજીવો 2.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 2024માં 22.7 લાખ પ્રવાસી નોંધાયા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં જે થોડો વધારો નોંધાયો છે તે રાજ્યમાં વિકસતા ઉદ્યોગો અને સેમી કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીને કારણે હોવાનું નિષ્ણાતો જણાવે છે. જોકે પર્યટનને વિકસાવવા માટે ગુજરાત સરકાર સારું એવું બજેટ પણ ફાળવે છે.
વર્ષ ૨૦૨૫માં ગુજરાતમાં ૨૨.૪૩ લાખ સ્થાનિક પ્રવાસીઓ (ડોમેસ્ટિક ટૂરિસ્ટ) પણ નોંધાયા હતા. જોકે તેમાં પણ ગુજરાત દેશમાં આઠમા ક્રમાંકે છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધુ નોંધાઈ હતી.
પર્યટન મંત્રાલયે જણાવ્યું હતું કે આ આંકડા રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રો અને મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યા હતા.
Chat GPT Image