મોરબી: મોરબી જિલ્લાના માથક ગામમાં વીજળી પડતા એક મહિલા અને તેના ચાર વર્ષના પુત્રનું મોત થયું હતું. આ ઘટના વાડી વિસ્તારમાં બની હતી, જ્યાં માતા મગફળીના ખેતરમાં પાણી વાળી રહી હતી. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને આ બનાવની જાણ કરવામાં આવી હતી. તેની બાદમાં બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા અને ચાર વર્ષના પુત્ર પર વીજળી પડી
મળતી માહિતી મુજબ, માથક ગામમાં માતા અને પુત્ર વાડીમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સાંજના સમયે પંથકમાં કડાકાભડાકા સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. વરસાદી માહોલ વચ્ચે મગફળીના ખેતરમાં કામ કરી રહેલી મહિલા મનકુબેન નાયક (ઉંમર 28) અને તેમનો ચાર વર્ષના દીકરા શ્યામ પર અચાનક આકાશી વીજળી પડી હતી.
200 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યાં સુધીમાં 200 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 3.35 ઇંચ વરસાદ ખાબક્યો છે.