Wed Oct 07 2026

Logo

વરસાદ ધીમો પડ્યો, વિદાય લેવાની તૈયારીમાં?

2026-09-21 20:46:08
Author: Pooja Shah
વરસાદ ધીમો પડ્યો, વિદાય લેવાની તૈયારીમાં?

અમદાવાદઃ ગુજરાતમાં જુલાઈ મહિના બાદ ફરી સપ્ટેમ્બરમાં વરસાદી માહોલ જામ્યો હતો અને ઘણા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જોકે રવિવારથી જ વરસાદની ગતિ ધીમી પડી ગઈ હતી. સોમવારે રાજ્યના 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આણંદના બોરસદમાં 1.77 ઇંચ અને સાબરકાંઠાના વડાલીમાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો હતો. 

જોકે હવામાન ખાતાનું માનીએ તો ગુજરાતના ઘણા ભાગોમાંથી વરસાદ હવે વિદાય લેવાની તૈયારીમાં છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાંથી, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ વિદાય લેવાનું શરૂ કરે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે 20 સપ્ટેમ્બરના રોજ જારી કરેલી રાજ્ય આગાહીમાં જણાવ્યું હતું કે આગામી 2-3 દિવસમાં રાજસ્થાન, પંજાબ, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વધુ ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયની શક્યતા છે. 

વિદાય પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવા છતાં, ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં છુટાછવાયા વરસાદ પડવાની શક્યતા છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

દરમિયાન કચ્છ જિલ્લામાં ‘સેકન્ડ સમર’ એટલે કે ભાદરવા મહિનાના આકરા તાપ અને બફારાનું સામ્રાજ્ય છવાયું છે. ૩૬ ડિગ્રીને પાર પહોંચેલા મહત્તમ તાપમાન અને આકરા ઉકળાટ વચ્ચે રવિવારે સાંજ ઢળતાં જ વાતાવરણમાં નાટ્યાત્મક પલટો આવ્યો હતો. લોકલ કન્વેક્ટિવ સિસ્ટમ સક્રિય થવાને કારણે વાગડ પંથકથી માંડીને ભુજ, ગાંધીધામ, મુંદરા અને લખપત સુધી જોરદાર પવન અને વીજળીના કડાકા સાથે હળવાંથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં.